જામનગર શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દિપેશ કોડિયા દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને લોકોને કચરાનો નિકાલ માત્ર ડોર-ટુ-ડોર આવતી કચરા ગાડીમાં જ કરવાની સૂચના અપાઈ છે. શહેરમાંથી ઉકરડા નાબૂદ કરવા માટે કચરા પેટીઓ પણ ઉપાડી લેવામાં આવી છે જેથી જાહેરમાં કચરો દેખાય નહીં. જોકે, હકીકત એ છે કે દસેક મહિના પહેલા નગરની જેટલી વસ્તી અને વિસ્તાર હતો તેટલો જ આજે પણ છે, છતાં કચરા કલેક્શનનું જે બિલ પહેલા પ્રતિમાસ અઢી કરોડ રૂપિયા બનતું હતું તે હવે ડબલ થઈને સીધું 5 કરોડ રૂપિયાનું બની ગયું છે. આ માત્ર કચરાગાડીનો જ ખર્ચ છે, છતાં અનેક વિસ્તારોમાં નિયમિત ગાડીઓ પહોંચતી ન હોવાની ફરિયાદો પણ ઉઠતી રહે છે.
આ ઉપરાંત શહેરમાં 1300 થી વધુ કાયમી અને અવેજી સફાઈ કામદારો, હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટર પેઢીઓ તેમજ 150 થી વધુ ખાનગી સોસાયટીઓને ચૂકવાતા સફાઈ ખર્ચને જોડી દેવામાં આવે તો મનપા દ્વારા માત્ર સ્વચ્છતા અને સફાઈ પાછળ દર મહિને અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થઈ રહ્યો છે. આટલો મોટો આર્થિક બોજો છતાં શહેરમાં આજે પણ ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે, જે તંત્રની કામગીરી સામે મોટો સવાલ ખડો કરે છે કે આટલા ખર્ચ પછી પણ પરિસ્થિતિ કેમ નથી સુધરતી.
બધી જ જવાબદારી મહાનગરપાલિકાના માથે ઢોળી શકાય નહીં કારણ કે નાગરિકોની પણ ફરજ છે કે તેઓ જાહેરમાં કચરો ફેંકવાને બદલે માત્ર કચરા ગાડીમાં જ કચરો નાખે. પરંતુ સાથે જ એ પણ વાસ્તવિકતા છે કે દર મહિને સફાઈ પાછળ 10 થી 12 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચાતી હોય તો શહેર એકદમ ચોખ્ખું ચણક દેખાવું જોઈએ. આ સ્થિતિ સ્પષ્ટ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક વહીવટી સ્તરે હજુ પણ ગંભીર કસર રહી ગઈ છે જેને સુધારવી ખૂબ જ જરૂરી છે.
