તારીખ 28ના રોજ દ્વારકા પ્રવાસે આવેલા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓએ શ્રી શંકરાચાર્ય જનરલ નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલય વરવાળા તથા શ્રી ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ દ્વારકા સંચાલિત ઔષધાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થા દ્વારા ચાલતી લોકઉપયોગી આરોગ્ય સેવાઓ અને જનજાગૃતિના કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી.પી. મહેતા દ્વારા ઔષધાલયમાં દર્દીઓની સેવા માટે કરવામાં આવી રહેલી સરાહનીય પ્રવૃત્તિઓથી ઉચ્ચ અધિકારીઓને અવગત કરાવવામાં આવ્યા હતા.
આ વિશેષ મુલાકાતમાં નિપર ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડો. શૈલેન્દ્ર સરાફ, આયુષ મંત્રાલયના પૂર્વ સલાહકાર ડો. મનોજ નેસરી, રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન ઈન્ડિયાના ડાયરેક્ટર ડો. અરવિંદ સી. રાનડે અને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના શ્રી અનુરાગ પૂનેઠા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો સમક્ષ વૈદ્ય ડી.પી. મહેતાએ જુદા જુદા રોગો સંબંધિત જાગૃતિ ફેલાવતી પત્રિકાઓ અને તેના માધ્યમથી ચાલતા જનજાગૃતિ અભિયાનની માહિતી રજૂ કરી હતી.
આયુર્વેદ ઔષધાલયમાં નિદાન અને સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને રોગો વિશે માર્ગદર્શન આપતી આ ઉપયોગી પત્રિકાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે, જે જાણીને તમામ ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થયા હતા. સરકારના આ પ્રતિનિધિઓએ સંસ્થાની સેવાકીય નેમ અને લોકકલ્યાણની આ પ્રવૃત્તિને ખુલ્લા દિલથી બિરદાવી હતી, જેનાથી આયુર્વેદ ક્ષેત્રે કામ કરતા સેવકોનો ઉત્સાહ વધુ વધ્યો છે.
