JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હોવાની ફરિયાદ અવગણવી રેલવેને મોંઘી પડી, કોર્ટે દંડ ફટકાર્યો

Oct 28, 2026 | 14:20 | By JAMNAGAR MIRROR
ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હોવાની ફરિયાદ અવગણવી રેલવેને મોંઘી પડી, કોર્ટે દંડ ફટકાર્યો
ટ્રેનના ટોઈલેટમાં પાણી ન મળતા અને રેલવે દ્વારા ફરિયાદની ઉપેક્ષા કરાતા ગ્રાહક કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે રેલવેને ટિકિટના પૈસા રિફંડ કરવાની સાથે મુસાફરને વળતર અને કોર્ટ ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો પાયાની સુવિધાઓ પણ ન મળે તો સામાન્ય માણસની હાલત કફોડી બની જતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં દક્ષિણ પશ્ચિમ રેલવેને ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હોવાની મુસાફરની ફરિયાદને નજરઅંદાજ કરવી ભારે પડી ગઈ છે. શિવમોગા જિલ્લા ગ્રાહક નિવારણ પંચે રેલવે અધિકારીઓની સેવામાં સ્પષ્ટ ખામી માનીને કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રેલવેને 6% વ્યાજ સાથે મૂળ ટિકિટના પૈસા પાછા આપવાનો અને અસરગ્રસ્ત મુસાફરને વળતર તેમજ કોર્ટ ખર્ચ ચૂકવવાનો આદેશ જાહેર કર્યો છે.

આખો મામલો યશવંતપુરથી શિવમોગા જતી ટ્રેન નંબર 66575 નો છે. શિવમોગ્ગાના રહેવાસી નાગેન્દ્ર પોતાના પરિવાર અને સંબંધીઓ મળીને કુલ 24 સભ્યો સાથે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેના માટે તેમણે 1,000 રૂપિયાની જનરલ ક્લાસ ટિકિટ લીધી હતી. મુસાફરી દરમિયાન ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જ્યારે ટ્રેન તુમાકુરુ સ્ટેશને પહોંચી ત્યારે મુસાફરોએ સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી હતી, પરંતુ રેલવે અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રતિભાવ આપવામાં આવ્યો ન હતો અને પાણી ભરવાની વ્યવસ્થા પણ ન કરી. અધિકારીઓની આ બેદરકારી અને ઉદાસીનતાને કારણે આખા પરિવારે નાછૂટકે તુમાકુરુ સ્ટેશને જ ટ્રેન છોડી દેવી પડી હતી અને આગળની મુસાફરી માટે 1,760 રૂપિયા ખર્ચીને બીજી ટિકિટ લેવી પડી હતી.

આ બનાવ બાદ મુસાફર નાગેન્દ્રએ રેલવે અધિકારીઓને કાનૂની નોટિસ મોકલી હતી, પરંતુ સામેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેમણે શિવમોગા જિલ્લા ગ્રાહક આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. 23 ઓક્ટોબરના રોજ કમિશનના અધ્યક્ષ ટી. શિવાન્ના અને સભ્ય બી.ડી. યોગાનંદ ભાંડ્યાની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને રેલવેની ગંભીર બેદરકારી સાબિત થઈ હતી. આ કેસમાં કોર્ટે રેલવેને 1,000 રૂપિયા ટિકિટના રિફંડ પેટે અને 15,000 રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે રેલવે પ્રશાસનની લાપરવાહી સામે એક મોટો અને લાલબત્તી સમાન કાનૂની દાખલો બની ગયો છે.

LATEST ARTICLES