JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રેલવે સ્ટેશનના ધક્કા ખાવાની ઝંઝટ ખતમ! હવે ઘરે બેઠા જ બુક થશે પાર્સલ, અમદાવાદ સહિત 8 શહેરોમાં રેલવેની ડોર-ટુ-ડોર પાર્સલ સેવા

| By JAMNAGAR MIRROR
રેલવે સ્ટેશનના ધક્કા ખાવાની ઝંઝટ ખતમ! હવે ઘરે બેઠા જ બુક થશે પાર્સલ, અમદાવાદ સહિત 8 શહેરોમાં રેલવેની ડોર-ટુ-ડોર પાર્સલ સેવા
ભારતીય રેલવે હવે ટ્રેન દ્વારા સામાન મોકલવાનું સરળ બનાવતી નવી ડોર-ટુ-ડોર પાર્સલ સેવા શરૂ કરી રહી છે. અમદાવાદ સહિત દેશનાં 8 મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે ગ્રાહકો મોબાઇલ એપ દ્વારા ઘરે બેઠા જ પાર્સલનું બુકિંગ કરાવી શકશે, જેનાથી સ્ટેશન પર જવાની કે લાંબી કાગળની પ્રક્રિયામાંથી પસાર થવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.

ટ્રેન દ્વારા સામાન મોકલવો હંમેશાંથી સસ્તો અને સુરક્ષિત વિકલ્પ રહ્યો છે, પરંતુ રેલવે સ્ટેશનના ધક્કા ખાવા અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું ઘણા લોકો માટે મુશ્કેલ બનતું હતું. આ જ સામાન્ય લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતીય રેલવેએ એક મોટું પગલું ભર્યું છે. રેલવેનો પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે અમદાવાદ સહિત દેશનાં 8 મુખ્ય શહેરોમાં ડોર-ટુ-ડોર પાર્સલ સેવા શરૂ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ ખાસ સુવિધા માટે રેલવે દ્વારા રેલ પાર્સલ એપ તૈયાર કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકો સ્ટેશન પર ગયા વગર જ પોતાના ઘર કે ઓફિસથી જ સામાન મોકલી શકશે.

આ નવી સેવા શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ અને પુણેમાં ઉપલબ્ધ થશે. આ શહેરોમાં રહેતા લોકો મોબાઇલ એપ દ્વારા જ પોતાના પાર્સલના પિકઅપ અને ડિલિવરીનું ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટ કરી શકશે. આ ડિજિટલ માર્કેટપ્લેસ ગ્રાહકોને સીધા લોજિસ્ટિક્સ પાર્ટનર્સ સાથે જોડશે, જે ઘરથી સામાન ઉપાડીને સ્ટેશને પહોંચાડશે અને ગંતવ્ય સ્થાને સ્ટેશનથી સીધા ઘર સુધી ડિલિવરી આપશે. ગ્રાહકો ટ્રેન ઉપડવાના પ્રસ્થાન સમયથી 15 દિવસ અગાઉથી લઈને ટ્રેન ઉપડવાના 1 દિવસ પહેલાં સુધી બુકિંગ કરાવી શકશે. એટલું જ નહીં, જો કોઈ કારણસર બુકિંગ રદ કરવું પડે તો માત્ર આશરે ₹10 ક્લાર્કેજ ચાર્જ કાપીને બાકીનું ભાડું પરત આપવામાં આવશે.

રેલવેની આધુનિક પહેલથી સમયની ભારે બચત થશે અને સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓને મોટી રાહત મળશે. તહેવારોના સમયને ધ્યાનમાં રાખીને રેલવેએ પાર્સલ કોચના રાઉન્ડ-ટ્રિપ બુકિંગ પર પણ વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે, જેથી એગ્રીગેટર્સ એક તરફના ભાડાના 1.5 ગણા ભાડામાં આવવા-જવાની સગવડ મેળવી શકે. આમ, ઘરે બેઠાં બુકિંગ, ઘરેથી પિકઅપ અને સીધા સરનામા પર ડિલિવરી મળવાથી પાર્સલ મોકલવાની આખી પદ્ધતિ એકદમ સરળ અને પારદર્શક બની જશે.

LATEST ARTICLES