JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

નર્મદા પરિયોજના: ગુજરાતને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી મળશે 553 કરોડ રૂપિયા

| By JAMNAGAR MIRROR
નર્મદા પરિયોજના: ગુજરાતને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી મળશે 553 કરોડ રૂપિયા
નવી દિલ્હીમાં યોજાયેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. ચારેય રાજ્યો વચ્ચે થયેલા નાણાકીય સમાધાન મુજબ ગુજરાતના બાકી નીકળતા કુલ 553.43 કરોડ રૂપિયા આગામી 31 માર્ચ, 2027 પહેલાં ચૂકવી દેવામાં આવશે.

નર્મદા પરિયોજનાને લઈને ગુજરાત અને અન્ય ભાગીદાર રાજ્યો વચ્ચે લાંબા સમયથી અટવાયેલા નાણાકીય લેતી-દેતીના મામલાનો હવે કાયમી અંત આવ્યો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી સી.આર. પાટિલની અધ્યક્ષતામાં મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યૂ કમિટીની 15મી બેઠકમાં આ અંગે મોટું સમાધાન થયું છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને અગાઉ થયેલા એગ્રીમેન્ટને સત્તાવાર મંજૂરી આપી હતી.

આ નાણાકીય સમાધાન મુજબ ગુજરાતે અન્ય ભાગીદાર રાજ્યો પાસેથી કુલ 553.43 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશ પાસેથી 251.62 કરોડ, રાજસ્થાન પાસેથી 271.13 કરોડ અને મહારાષ્ટ્ર પાસેથી 30.68 કરોડ રૂપિયા ગુજરાતને મળવાપાત્ર છે. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના અધિક અગ્રસચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા એસએસએનએસએલના સીએમડી મૂકેશ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય સચિવ મનોજ દાસે વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં સહભાગી થઈને આ પ્રક્રિયાને વેગ આપ્યો હતો.

અગાઉ નર્મદા યોજનાની નાણાકીય લેવડદેવડ બાબતે રાજ્યો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ થયો હતો, જેને હવે મિટિંગની મિનિટ્સમાં આવરી લઈને કાયદાકીય સ્વરૂપ આપી દેવાયું છે. આ ત્રણેય રાજ્યોએ સ્પષ્ટ કમિટમેન્ટ આપ્યું છે કે 31 માર્ચ, 2027 પહેલાં આ તમામ લેણાં સીધા જ ગુજરાતને ચૂકવી આપવામાં આવશે. રાજ્યો વચ્ચેના આ વર્ષો જૂના નાણાકીય વિવાદના ઉકેલથી હવે પરિયોજનાના આગામી વિકાસ કાર્યો અને વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે.

LATEST ARTICLES