ગાંધીનગરના સેક્ટર-11માં કલેક્ટર કચેરીની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું નવું ગાંધીનગર તાલુકા સેવા સદન હવે ધમધમતું થઈ ગયું છે. અહીં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ઈ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર અને આધાર કેન્દ્ર જેવી મહત્વની તમામ સરકારી કચેરીઓ નવા બિલ્ડિંગમાં સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવી છે. આ કચેરીઓ નવા સ્થળે ખસી જવાથી અગાઉ જ્યાં અરજદારોની ભારે ભીડ જામતી હતી તે જૂની કલેક્ટર કચેરી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર સહિતના ભાગો હવે એકદમ સુમસામ જોવા મળી રહ્યા છે.
આ નવા આધુનિક બિલ્ડિંગ પાછળ કુલ 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું છે. જનસંપર્ક સાથે જોડાયેલી તમામ મહત્વની સુવિધાઓ જેમ કે જનસેવા કેન્દ્ર, આધાર કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્ર વગેરે નાગરિકોની સગવડ માટે ખાસ ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખવામાં આવ્યા છે. જ્યારે મામલતદાર કચેરીને પ્રથમ માળે અને પ્રાંત કચેરીને બીજા માળે બેસાડવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી માત્ર સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને જ નહીં, પરંતુ કામ માટે આવતા સામાન્ય અરજદારોને પણ મોટી રાહત મળી છે, ખાસ કરીને લાંબા સમયથી સતાડતી પાર્કિંગની સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે.
જોકે, મોટા ફેરફારોની શરૂઆતમાં થતી અસમંજસતા અહીં પણ જોવા મળી રહી છે. ઘણી બધી બાબતોથી અજાણ એવા હજારો અરજદારો હજુ પણ જૂની કચેરીના સરનામે જ પહોંચી જાય છે અને ત્યાં આવ્યા પછી તેમને ખબર પડે છે કે કચેરીઓ અન્યત્ર ખસી ગઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા જૂની જગ્યાએ સ્પષ્ટ સૂચનાઓ અને બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જેથી લોકો નવા સેક્ટર-11 સ્થિત સેવા સદન પર સરળતાથી પહોંચી શકે.
