ગાંધીનગરમાં માર્ગ મકાન વિભાગના વિવિધ વિભાગો હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટર્સ હવે ભ્રષ્ટ અને મનસ્વી અધિકારીઓ સામે ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં અધિકારીઓ સામે અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એસોસિએશને દાવો કર્યો છે કે વિભાગના કેટલાક અધિકારીઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર નિયમોમાં મનસ્વી છેડછાડ કરીને કરોડો રૂપિયાના ટેન્ડરો માત્ર પોતાની માનીતી એજન્સીઓને જ પધરાવી રહ્યા છે. આ પ્રકારની મનમાનીના કારણે લાયક અને મહેનતુ કોન્ટ્રાક્ટરોને અન્યાય થઈ રહ્યો છે અને તેમને પૂરતી તક પણ આપવામાં આવતી નથી.
આ એસોસિએશનના આક્ષેપ મુજબ ખાસ કરીને પાટનગર યોજના વિભાગ-2 સામે લાંબા સમયથી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. હાલની સ્થિતિ એવી છે કે નાના ઈજારાદારોના 30 કરોડથી વધુના ચુકવણાં લાંબા સમયથી બાકી પડ્યા છે, જેના કારણે શ્રમિકોની દિવાળી બગડે તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. નાના ઈજારાદારોના કરોડો રૂપિયા સરકારી દફતરોમાં અટવાઈ જવાના કારણે તેઓ ગરીબ મજૂરો અને શ્રમિકોને પણ સમયસર પૈસા ચૂકવી શકે તેમ નથી. આટલું જ નહીં, તાજેતરમાં ફાળવવામાં આવેલી અંદાજે 200 કરોડની માતબર ગ્રાન્ટના કામોમાં પણ માત્ર માનીતી એજન્સીઓને જ અગ્રતા આપવામાં આવી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
કોન્ટ્રાક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે સરકારી કામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂરા કરવા માટે માત્ર કોન્ટ્રાક્ટરો ઉપર જ કાયદા-નિયમોનું તલવાર લટકાવવામાં આવે છે, પરંતુ વિભાગના પોતાના અધિકારીઓ આ નિયમોનું પાલન કરે છે કે નહીં તેની પણ કડક તપાસ થવી જોઈએ. કેટલાક કામો તો વગર ટેન્ડર પ્રક્રિયાએ જ મળતિયાઓને આપી દેવાયા છે. આગામી સમયમાં કામોની ફાળવણીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે, ટેન્ડર પ્રક્રિયાના નિયમોનું પાલન થાય અને તમામ લાયક કોન્ટ્રાક્ટરોને સમાન તક મળે તેવી માંગણી કરાઈ છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો સરકારી કામોની ગુણવત્તા સુધરવાની સાથે આખરે સરકારને પણ મોટો આર્થિક ફાયદો થઈ શકે તેમ છે.
