મહેસાણા સિવિલ હોસ્પિટલના એસએનસીયુ વિભાગે તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા છેલ્લા ૩ મહિનામાં અનેક અતિગંભીર નવજાત શિશુઓના જીવ બચાવવામાં મોટી સફળતા મેળવી છે. સામાન્ય રીતે જન્મ સમયે જટિલતાઓનો સામનો કરતા બાળકો માટે આ યુનિટ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, જ્યાં ડોક્ટરોની ટીમ રાત-દિવસ એક કરીને નવજાતોની સંભાળ રાખી રહી છે.
આ સમયગાળા દરમિયાન હોસ્પિટલના આ સ્પેશિયલ યુનિટમાં કુલ 167 નવજાત શિશુઓને અતિગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને જન્મ સમયે ખૂબ જ ઓછું વજન ધરાવતા બાળકો, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ અનુભવતા બાળકો તેમજ વિવિધ પ્રકારના ચેપથી પીડાતા બાળકોનો સમાવેશ થતો હતો. હોસ્પિટલના કુશળ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતત દેખરેખ અને આધુનિક સારવાર પદ્ધતિને કારણે આમાંથી 160 બાળકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જોકે અતિ નાજુક સ્થિતિને કારણે સારવાર દરમિયાન 7 બાળકોના દુઃખદ મોત પણ થયા હતા.
આ અંગે માહિતી આપતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તેમજ સિવિલ સર્જન ડો. ગોપી પટેલે જણાવ્યું કે એસએનસીયુ વિભાગમાં 24 કલાક નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખડેપગે કાર્યરત રહે છે. અહીં સારવાર માટે આવતા મોટા ભાગના બાળકો ગરીબ પરિવારોમાંથી હોય છે, અને આવા જરૂરિયાતમંદ પરિવારોના ગંભીર હાલતના બાળકોને સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આખી ટીમ હંમેશાં પ્રતિબદ્ધ બનીને કામ કરે છે.
