JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

વાવ-થરાદમાં નહિવત્ વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિ, પૈસા આપવા છતાં નથી મળતો ઘાસચારો

| By JAMNAGAR MIRROR
વાવ-થરાદમાં નહિવત્ વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિ, પૈસા આપવા છતાં નથી મળતો ઘાસચારો
ચાલુ વર્ષે વરસાદ ન વરરસતા વાવ-થરાદ જિલ્લામાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુઓ માટે પૂરતો ઘાસચારો ન મળતા સરપંચ એસોસિયેશને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન નહિવત્ વરસાદ પડવાને કારણે વાવ-થરાદ જિલ્લામાં અત્યારે દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ વરસાદની અછતની સીધી અસર ખેતીની સાથે-સાથે પશુપાલન વ્યવસાય પર પણ પડી રહી છે, જેના કારણે અબોલ પશુઓના નિભાવનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ વિકટ પરિસ્થિતિમાંથી પશુધનને બચાવવા અને પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે હવે વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિયેશન મેદાને આવ્યું છે અને તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિયેશનના પ્રમુખ જેતશીભાઈ પટેલે આ મુશ્કેલી વિશે વાત કરતા જણાવ્યું કે જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે, જે ખેતી અને ઘાસચારા માટે અપૂરતો સાબિત થયો છે. આ વિસ્તાર મુખ્યત્વે ખેતીપ્રધાન હોવાથી લોકો પશુપાલન પર પણ મોટે પાયે નિર્ભર છે, પરંતુ ખેતરોમાં ઘાસચારો પાક્યો જ નથી. હાલની સ્થિતિ એવી છે કે પશુપાલકો પાસે પૈસા હોવા છતાં અને પૂરતા રૂપિયા ચૂકવવા તૈયાર હોવા છતાં પણ બજારમાં પશુઓ માટે પૂરતો ઘાસચારો મળતો નથી, જેના લીધે પશુધનનો નિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સરપંચ એસોસિયેશને કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે જિલ્લાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો ફાળવવામાં આવે અને યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં વાવ-થરાદ જિલ્લાનો પણ સમાવેશ કરવા અથવા ખાસ કિસ્સામાં તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવા અપીલ કરવામાં આવી છે. હવે પશુપાલકોના હિતમાં વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આગામી સમયમાં કેવા નિર્ણયો લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

LATEST ARTICLES