નવી દિલ્હીથી સામે આવેલા મોટા સમાચાર મુજબ, ઇન્ડિયન રેલવેઝ હવે ટૂંક સમયમાં જ 8 શહેરોમાં ડોર-ટુ-ડોર પાર્સલ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. સફળ પાયલોટ રન બાદ રેલવેએ આ શાનદાર સુવિધાનો વ્યાપ વધાર્યો છે. ઘરમાં બેઠા જ પાર્સલ મોકલવા માટે ગ્રાહકોને હવે રેલવે સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે રેલવેની નવી મોબાઇલ એપ ઘર સે ઘર તક દ્વારા આ સુવિધા મળવાની છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ અને પુણે એમ કુલ 8 શહેરોના લોકો આ ડિજિટલ પ્લેટફોર્મનો સીધો ફાયદો ઉઠાવી શકશે.
આ મોડેલ અંતર્ગત ફર્સ્ટ-માઈલ પિકઅપ અને લાસ્ટ-માઈલ ડિલિવરીનું કામ લોજિસ્ટિક્સ પાર્ટનર્સ સંભાળશે, જ્યારે સ્ટેશનો વચ્ચે પાર્સલ લાવવા લઈ જવાનું કામ રેલવે કરશે. આ પાર્ટનર્સ ગ્રાહકોને પેકેજિંગ અને બીજી વધારાની વેલ્યુ-એડેડ સર્વિસ પણ પૂરી પાડી શકે છે. ગ્રાહકો ટ્રેનના નિર્ધારિત સમયના 15 દિવસ અગાઉથી પાર્સલ બુકિંગ શરૂ કરી શકશે અને ટ્રેન ઉપડવાના 1 દિવસ પહેલા સુધી બુકિંગ કરી શકાશે. ખાસ વાત એ છે કે, આ મોબાઇલ એપ એક ડિજિટલ માર્કેટપ્લેસ તરીકે કામ કરશે જ્યાં ગ્રાહકો ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટ બંને કરી શકશે, જેથી જૂની કાગળની કામગીરી અને સ્ટેશન પર લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે.
જો કોઈ કારણસર બુકિંગ કેન્સલ કરવું પડે તો પાર્સલ પિકઅપ થાય તે પહેલાં રેલવે ફ્રેટનું આખું રિફંડ મળી જશે, જેમાં માત્ર 10 રૂપિયા ક્લાર્કેજ ચાર્જ કપાશે. આ ઉપરાંત, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રેલવેએ પાર્સલ કોચ માટે ડિસ્કાઉન્ટેડ રાઉન્ડ-ટ્રીપ બુકિંગની પણ જાહેરાત કરી છે, જેનાથી બિઝનેસમેનોને મોટો ફાયદો થશે. રેલવેના આ પગલાથી હવે સામાન્ય લોકો અને વેપારીઓ બંને માટે પાર્સલ મોકલવું પહેલા કરતા ઘણું વધારે સરળ અને સુવિધાજનક બની જશે.
