JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદમાં વેસ્ટર્ન રેલવેના કર્મચારી પ્રશાંત રબારી પર EDની મોટી રેડ, ₹2 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

| By JAMNAGAR MIRROR
અમદાવાદમાં વેસ્ટર્ન રેલવેના કર્મચારી પ્રશાંત રબારી પર EDની મોટી રેડ, ₹2 કરોડથી વધુની સંપત્તિ જપ્ત
આવક કરતા વધુ મિલકત બનાવવાના કેસમાં વેસ્ટર્ન રેલવેના કર્મચારી પ્રશાંત રબારી મુશ્કેલીમાં મુકાયા છે. CBIની એફઆઈઆરના આધારે એક્શનમાં આવેલી EDએ પ્રશાંત અને તેમની પત્નીના નામે ખરીદાયેલી જમીન અને વાહનો સહિત ₹2.58 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

અમદાવાદમાં આવક કરતા વધુ સંપત્તિ વસાવાના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા વેસ્ટર્ન રેલવેના એક કર્મચારી સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતા પ્રશાંત રબારી નામના કર્મચારીએ ભ્રષ્ટાચાર આચરીને પોતાની કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ ભેગી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગાંધીનગર CBI દ્વારા અગાઉ એક ફોર્મલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે EDએ આ કેસમાં એન્ટ્રી કરીને મની લોન્ડ્રિંગ અને નાણાકીય ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એજન્સીના હાથ એવા ચોંકાવનારા પુરાવા લાગ્યા કે જેણે રેલવે કર્મચારીની કાળી કમાણીનો પર્દાફાશ કરી દીધો.

પ્રાપ્ત વિગતો મુજબ, પ્રશાંત રબારીએ વર્ષ 2017થી 2021ના ગાળા દરમિયાન પોતાની નોકરીની ઓડ સરકારી આવક ઉપરાંત અંદાજે ₹2.58 કરોડની જંગી બિનહિસાબી સંપત્તિ એકત્ર કરી લીધી હતી. તપાસ એજન્સીની અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે આ ભ્રષ્ટ અધિકારીએ પોતાના તેમજ પોતાની પત્નીના નામે અલગ-અલગ જગ્યાએ કિંમતી જમીનો, લક્ઝુરિયસ વાહનો અને અન્ય મિલકતો ખરીદી હતી. ED દ્વારા આ તમામ શંકાસ્પદ મિલકતો અને નાણાકીય વ્યવહારોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે કે જેથી આટલી મોટી રકમ ક્યાંથી અને કેવી રીતે આવી તેના મૂળ સુધી પહોંચી શકાય.

હાલ તો ED દ્વારા પ્રશાંત રબારીની ₹2 કરોડથી વધુની કિંમતની સંપત્તિઓ ટાંચમાં લેવામાં (અટેચ કરવામાં) આવી છે, જોકે આ કાર્યવાહીનો મતલબ એ નથી કે આરોપી કાનૂની રીતે અંતિમ દોષિત સાબિત થઈ ગયો છે. આગામી સમયમાં કાનૂની પ્રક્રિયા અને કોર્ટમાં રજૂ થનારા પુરાવાઓના આધારે જ આ કેસમાં અંતિમ ફેંસલો આવશે. પરંતુ હાલ તો રેલવે વિભાગમાં ચર્ચાનો વિષય બનેલા આ પ્રકરણમાં CBI અને EDની સંયુક્ત કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને એજન્સીઓ આ કેસના આગામી કાનૂની પગલાં પર કામ કરી રહી છે.

LATEST ARTICLES