ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ અને અલ્બાનિયા સહિતના યુરોપના 6 દેશોમાં તાજેતરમાં મોંઘવારી, શિક્ષણ અને રહેઠાણના વધતા ખર્ચ સામે લોકો રસ્તા પર ઉતર્યા હતા. શરૂઆતમાં આર્થિક મુદ્દાઓ પૂરતા સીમિત રહેલા આ વિરોધ પ્રદર્શનોએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને અનેક સ્થળોએ પોલીસ સાથે ઘર્ષણ, જાહેર મિલકતોમાં આગચંપી તેમજ મોટી બ્રાન્ડ્સના શોરૂમમાં લૂંટફાટ જેવી હિંસક ઘટનાઓ સામે આવી હતી. ફ્રાન્સથી લઈને ઇટાલીના મિલાન સુધી અરાજકતાના દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાઓ પાછળ કોઈ સંગઠિત વ્યૂહરચના હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ અને માઇગ્રેશન પરના કડક નિયંત્રણોની રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો યુરોપમાં ફેલાયેલી આ અસ્થિરતાને એક ઉદાહરણ તરીકે રજૂ કરી રહ્યા છે જેથી અમેરિકન મતદારોને એવો સ્પષ્ટ સંદેશ આપી શકાય કે જો સરહદો સુરક્ષિત નહીં રાખવામાં આવે તો અમેરિકામાં પણ યુરોપ જેવી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બાંગ્લાદેશ અને નેપાળમાં જેવા યુવાનોના આંદોલન બાદ સરકારો બદલાઈ હતી, તે જ રીતે યુરોપની આ અરાજકતાનો ઉપયોગ પણ મિડ ટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પ પોતાની નીતિઓને શ્રેષ્ઠ સાબિત કરવા માટે કરી રહ્યા છે.
આખરે યુરોપના આ દેશોમાં થયેલી હિંસા માત્ર સ્થાનિક અસંતોષ કે મોંઘવારી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે વૈશ્વિક રાજકારણ અને અમેરિકાની આંતરિક ચૂંટણીનો મોટો રાજકીય હાથો બની રહી છે. યુરોપના વીડિયો અને તસવીરોના માધ્યમથી ટ્રમ્પ પોતાની નીતિઓને સફળ અને વિરોધીઓની નીતિઓને નિષ્ફળ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે આ અરાજકતા પાછળ અમેરિકાનું સીધું કોઈ આયોજન હતું કે નહીં તે હજી તપાસનો વિષય છે.
