રેલવેમાં જોબ મેળવવાનું સપનું જોતા યુવાનો માટે કામના સમાચાર છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા સ્ટેશન માસ્ટર ભરતી 2026 માટે આજથી એટલે કે 27 ઓક્ટોબરથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી માટે 25 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ વખતે સ્ટેશન માસ્ટરના પદને NTPC કેટેગરીમાંથી અલગ કરીને એક સ્વતંત્ર ભરતી તરીકે બહાર પાડવામાં આવ્યું છે, જેથી ઉમેદવારોએ હવે અલગથી જ અરજી કરવાની રહેશે. આ ભરતીમાં પદોની સંખ્યા વધારીને કુલ 1265 કરવામાં આવી છે, જે અગાઉ આશરે 1250 જેટલી હતી.
ઝોન મુજબ પદોની વાત કરીએ તો મુંબઈ ઝોનમાં સૌથી વધુ 125 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જ્યારે શ્રીનગરમાં 122, ચેન્નાઈમાં 119, તિરુવનંતપુરમમાં 114, પ્રયાગરાજમાં 112 અને બેંગલુરુમાં 102 પદો પર ભરતી થશે. આ ભરતીના નિયમોમાં પણ કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. સ્ટેશન માસ્ટરના પદ માટે લઘુત્તમ વયમર્યાદા અગાઉ 18 વર્ષ હતી, જે હવે વધારીને 20 વર્ષ કરવામાં આવી છે અને મહત્તમ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. જોકે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને આ તમામ વિગતો ચકાસી શકે છે.
સૌથી મોટો ફેરફાર પરીક્ષા પેટર્નમાં કરવામાં આવ્યો છે, જ્યાં હવે બે તબક્કાના બદલે માત્ર એક જ CBT પરીક્ષા યોજાશે. આ 100 ગુણની પરીક્ષા માટે 2 કલાકનો સમય મળશે અને ખાસ વાત એ છે કે નવા સિલેબસમાંથી GK અને GS નો અલગ સેક્શન હટાવી લેવામાં આવ્યો છે. હવે નવી પેટર્ન મુજબ મેથેમેટિક્સ અને બેઝિક સાયન્સના 30 ગુણ, ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, લોજિકલ રીઝનિંગના 20 સવાલો અને મેન્ટલ રીઝનિંગના 20 સવાલો પૂછવામાં આવશે. યુવાનોએ ફોર્મ ભરતા પહેલા આ તમામ નવા નિયમો અને અભ્યાસક્રમ બરાબર વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે.
