JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

AI જગતમાં મોટો ધડાકો, પ્રખ્યાત ક્લાઉડ AI બનાવતી કંપની એન્થ્રોપિક લાવશે IPO

Oct 27, 2026 | 16:25 | By JAMNAGAR MIRROR
AI જગતમાં મોટો ધડાકો, પ્રખ્યાત ક્લાઉડ AI બનાવતી કંપની એન્થ્રોપિક લાવશે IPO
એન્થ્રોપિક કંપની નવેમ્બરના અંત સુધીમાં શેરબજારમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ IPO થી તેના 7 કો-ફાઉન્ડર્સ અબજોપતિ બની જશે અને તેઓ પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દાનમાં આપવા છતાં કંપની પર કંટ્રોલ જાળવી રાખશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ધૂમ મચાવતી અને પોપ્યુલર ક્લાઉડ AI મોડેલ બનાવતી કંપની એન્થ્રોપિકે સોમવારે સત્તાવાર રીતે IPO માટે ફાઇલિંગ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ કંપની નવેમ્બરના અંત સુધીમાં શેરબજારમાં લિસ્ટ થવાનું લક્ષ્ય રાખી રહી છે. નાસ્ડેક સ્ટોક એક્સચેન્જમાં ANT ટિકર સિમ્બોલ સાથે લિસ્ટ થનારી આ કંપનીનું વેલ્યુએશન 1.5 ટ્રિલિયન ડોલરથી 2 ટ્રિલિયન ડોલર વચ્ચે રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ IPO સાથે જ કંપનીના 7 કો-ફાઉન્ડર્સે એક અદ્ભુત નિર્ણય લીધો છે, જેના કારણે આખો મામલો ચર્ચામાં આવ્યો છે. આ તમામ ફાઉન્ડર્સે તેમની વ્યક્તિગત ઇક્વિટીનો 80 ટકા એટલે કે લગભગ 80 અબજ ડોલર જેટલી મસમોટી રકમ ચેરિટીમાં દાન આપવાની જાહેરાત કરી છે, છતાં તેઓ કંપની પર પોતાનો અંકુશ જાળવી રાખશે.

એન્થ્રોપિકના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં દાખલ કરાયેલા S-1 રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટ મુજબ, કંપનીના સાતેય કો-ફાઉન્ડર્સ પાસે આશરે 1.69 અબજ શેર છે, જે કંપનીનો કુલ 10 ટકા હિસ્સો છે. આ તમામ 7 ફાઉન્ડર્સ પાસે અંદાજે 240 મિલિયન શેર છે. જેમાં ટોમ બ્રાઉન પાસે સૌથી વધુ 244,173,040 શેર છે, જે કંપનીના CEO ડારિયો અમોદઈ કરતા પણ વધુ છે. આ લિસ્ટમાં ક્રિસ્ટોફર ઓલાહ પાસે 242,882,420 શેર, જારેડ કપલાન પાસે 242,351,170 શેર, જેક ક્લાર્ક પાસે 242,271,840 શેર, ડેનિેલા અમોદઈ પાસે 241,408,940 શેર, ડારિયો અમોદઈ પાસે 240,637,980 શેર અને સેમ મેકકૈન્ડલિશ પાસે 231,809,780 શેર છે. જો કંપનીનું વેલ્યુએશન 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચે, તો દરેક ફાઉન્ડરના હિસ્સાની કિંમત 27 અબજ ડોલરથી 29 અબજ ડોલર સુધીની થઈ શકે છે. ખાસ વાત એ છે કે IPO પછી પણ આ ફાઉન્ડર્સ પાસે કંપનીના કુલ વોટિંગ પાવરના 50.1 ટકા હિસ્સો રહેશે, કારણ કે તેઓ એક સ્પેશિયલ ક્લાસ એફ શેર પોતાના નિયંત્રણવાળી LLC કંપનીને આપવાના છે.

આજે દુનિયાભરમાં જાણીતી બનેલી આ કંપનીની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી, જ્યારે OpenAI છોડીને આ સાતેય દિગ્ગજોએ સાથે મળીને એન્થ્રોપિકની સ્થાપના કરી હતી. આ સાત સહ-સ્થાપકોમાં CEO ડારિયો અમોદઈ, તેમના પ્રમુખ અને બોર્ડ ચેર ડેનિેલા અમોદઈ, બોર્ડ ચેરમેન અને ટોચના લીડર ટોમ બ્રાઉન, ચીફ કોમ્પ્યુટ ઓફિસર જારેડ કપલાન, ચીફ સાયન્સ ઓફિસર સેમ મેકકૈન્ડલિશ, ચીફ આર્કિટેક્ટ ક્રિસ ઓલાહ અને જેક ક્લાર્ક સામેલ છે. અગાઉ ઓપનએઆઈમાં કામ કરતી વખતે ટોમ બ્રાઉને GPT-3 ની એન્જિનિયરિંગ લીડ કરી હતી અને ડારિયો અમોદઈ સાથે મળીને ડીપ RLHF ટેકનિક વિકસાવી હતી, જેણે AI મોડેલ્સને ક્લાઉડ જેવા વાતચીત કરનાર આસિસ્ટન્ટ બનાવવામાં મોટી મદદ કરી હતી. હવે આ તમામ સાત સહ-સ્થાપકો તેમની સંપત્તિનો મોટો ભાગ દાનમાં આપીને પણ ટેકનોલોજીની દુનિયામાં એક નવો દાખલો બેસાડી રહ્યા છે.

LATEST ARTICLES