અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જાણીતી શાળાઓને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. સેટેલાઇટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી સીએન વિદ્યાલય, વિદ્યાભારતી સ્કૂલ અને નારાયણ ગુરુ સ્કૂલના સત્તાવાર ઈમેઈલ આઈડી પર આ ગંભીર ધમકી મોકલવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ કોઈ પણ પ્રકારનું જોખમ ના લેતા તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતની જાણ કરી હતી, જેના પગલે પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું અને તાત્કાલિક સુરક્ષાદળોનો કાફલો શાળાઓ તરફ દોડી ગયો હતો.
સમાચાર મળતા જ શાળાઓના સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક તમામ ક્લાસરૂમ અને સમગ્ર સ્કૂલ કેમ્પસ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી. બાળકોમાં ગભરાટ ન ફેલાય તે માટે તમામ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત જગ્યાએ ગ્રાઉન્ડમાં લાવવામાં આવ્યા હતા અને વાલીઓને ફોન કે મેસેજ દ્વારા જાણ કરીને બાળકોને ઘરે લઈ જવા માટે બોલાવાયા હતા. અચાનક આવેલા આ સંદેશથી ચિંતામાં મુકાયેલા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પરિસરે દોડી આવ્યા હતા, જેના કારણે શાળાઓની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સાયબર ક્રાઈમ સેલની ટીમો ત્રણેય સ્કૂલો પર પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ્સની મદદથી દરેક ક્લાસરૂમ, સ્ટાફ રૂમ, વોશરૂમ અને પાર્કિંગ સહિતના તમામ ખૂણાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ ધમકીભર્યો ઈમેઈલ માત્ર અફવા ફેલાવવા માટેનું કોઈ ફેક કૃત્ય છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, તે શોધવા માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કવાયત તેજ કરી દીધી છે.
