ક્રિકેટની દુનિયામાં અત્યારે સૂર્યવંશી પરિવારના નામનો દબદબો જોવા મળી રહ્યો છે. IPL અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવનાર વૈભવ સૂર્યવંશી તો ચર્ચામાં છે જ, પણ હવે તેના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ પણ બેટિંગથી એવી ધમાલ મચાવી છે કે સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા ચાલી રહી છે. હાલમાં વૈભવ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે, જ્યાં તે બીજી મેચમાં ખાસ પ્રદર્શન નહોતો કરી શક્યો, પરંતુ તેના ઘરે બિહારમાં નાનો ભાઈ આશીર્વાદ મેદાન ગજવી રહ્યો છે.
સ્થાનિક લીગ મેચમાં આશીર્વાદ સૂર્યવંશીએ પરાક્રમ કરીને સદી ફટકારી છે. આ ખેલાડીએ કમાલની બેટિંગ કરતા 87 બોલમાં અણનમ 107 રન બનાવી નાખ્યા હતા. આ તોફાની ઇનિંગ દરમિયાન તેણે ગ્રાઉન્ડના ચારેય બાજુ શાનદાર શોર્ટસ ફટકાર્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આશીર્વાદના આ પરાક્રમને કારણે જ તેની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને 2 વિકેટે શાનદાર જીત મેળવવામાં સફળ રહી હતી.
આ મેચની ખાસ વાત એ હતી કે એક તરફ આશીર્વાદ ક્રીઝ પર જમા થઈને રમી રહ્યો હતો, તો બીજી તરફ સામે છેડેથી વિકેટો પડતી રહી હતી. તેની ટીમના બાકીના 9 બેટ્સમેનોમાંથી એક પણ ખેલાડી 20 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં આશીર્વાદે એકલા હાથે મોર્ચો સંભાળ્યો અને પોતાની ટીમને વિજયી બનાવી હતી. આ શાનદાર પ્રદર્શન બાદ પિતા સંજીવ સૂર્યવંશીએ પણ સોશિયલ મીડિયા પર સ્કોરકાર્ડ શેર કર્યું હતું, જેના પછી ફેન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આશીર્વાદ આગામી IPL સીઝન માટે તૈયાર થઈ રહ્યો છે? સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે કે બિહાર ખરેખર ક્રિકેટના મામલે કોઈ શિખાઉ ખેલાડીઓ માટે નથી.
