અમેરિકાના વ્યસ્ત શહેરોમાં ગતિના શોખીનો પર લગામ કસવા માટે લોસ એન્જલસ પ્રશાસને એક મોટું પગલું ભર્યું છે. આજથી શહેરમાં ઓફિશિયલી સ્પીડ કેમેરા પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને ટ્રાફિકના નિયમો કડકપણે પાલન કરાવવા માટે આ ઇનિશિયેટિવ લેવાયું છે. શહેરના અલગ-અલગ હાઇ-ટ્રાફિક અને હાઇ-રિસ્ક વિસ્તારોમાં અત્યારે કુલ 20 વ્યૂહાત્મક સ્થાનો પર આ હાઇ-ટેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
જો તમે આ શહેરમાં વાહન ચલાવી રહ્યા છો અને સ્પીડ લિમિટ કરતાં વાહન 11 mph કે તેથી વધુ દોડાવ્યું, તો હવે છટકી નહીં શકાય. આ કેમેરા તરત જ સ્પીડ ઓવરટેક કરતા વાહનને પકડી લેશે અને ઓટોમેટિક દંડની પ્રક્રિયા શરૂ થઈ જશે. જો કે, ડ્રાઇવરોને આ નવી સિસ્ટમની ટેવ પડે તે માટે પ્રશાસને રાહત પણ આપી છે. શરૂઆતના 2 મહિના સુધી કોઈના ઘરે દંડના મેમો નહીં મોકલવામાં આવે, પરંતુ નિયમ તોડનારાઓને માત્ર વોર્નિગ આપીને છોડી મૂકવામાં આવશે જેથી તેઓ સચેત થઈ જાય.
આ નવા પ્રોગ્રામમાં પબ્લિકની પ્રાઈવસીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. રોડ પરથી પસાર થતા જે વાહનો સ્પીડ લિમિટની મર્યાદામાં હશે અને કોઈ નિયમ નહીં તોડે, તેમના ફોટા કે વિડિઓ સિસ્ટમ દ્વારા માત્ર 5 દિવસની અંદર ડિલીટ કરી દેવામાં આવશે. પ્રશાસનનું માનવું છે કે આ ટેકનોલોજીના ઉપયોગથી ડ્રાઇવરોમાં ડર રહેશે અને રોડ પર અકસ્માતોનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે.
