JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ફ્રાંસમાં મોંઘવારી અને આર્થિક અસમાનતા સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો, પેરિસ સહિત અનેક શહેરોમાં ભયાનક રમખાણો

Oct 26, 2026 | 17:30 | By JAMNAGAR MIRROR
ફ્રાંસમાં મોંઘવારી અને આર્થિક અસમાનતા સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો, પેરિસ સહિત અનેક શહેરોમાં ભયાનક રમખાણો
ફ્રાંસમાં જીવનજરૂરી ચીજોના ભાવ વધારા અને આર્થિક અસમાનતા મુદ્દે ૪ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પેરિસ સહિતના શહેરોમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ પોલીસે ૧૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે અને પરિસ્થિતિ કાબૂમાં લેવા ૭૦૦૦૦ જેટલા પોલીસ જવાનો તૈનાત કરવા પડ્યા છે.

ફ્રાંસની રાજધાની પેરિસ સહિત દેશના અનેક મોટા શહેરોમાં હાલ સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ છે. રોજબરોજની ચીજવસ્તુઓના વધતા ભાવ, વીજળીના ઊંચા દર અને વધતી આર્થિક અસમાનતાથી ત્રાસીને સામાન્ય જનતાનો ગુસ્સો આખરે ફાટી નીકળ્યો છે. શરૂઆતમાં આંદોલનકારીઓની કૂચ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ જોતજોતામાં આ વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પેરિસના રસ્તાઓ પર ઉતરેલા વિરોધ પ્રદર્શનોમાં અંદાજે ૪૧૦૦૦૦ જેટલા લોકો જોડાયા હતા, જ્યારે આંદોલનકારીઓના દાવા મુજબ આ આંકડો ૮ લાખથી પણ વધુનો હતો. એકલા પેરિસમાં જ ૧૧૦૦૦૦થી ૨૫૦૦૦૦ જેટલા લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા અને સરકાર સામે મોરચો ખોલ્યો હતો.

આ આંદોલન હવે માત્ર પેરિસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ માર્સીલે, લીયોન, બોર્ડોકસ, લીલે, તોલોઝ, ઓન્ટેપેલીયર અને નાન્તેઝ જેવા મુખ્ય શહેરોમાં પણ રમખાણો અને તોફાનો પ્રસર્યા છે. દેખાવકારોએ ઉગ્ર બનીને જાહેર મકાનોમાં ભારે તોડફોડ કરી છે તેમજ મોટા મોલ્સ અને પ્રખ્યાત દુકાનોને પણ નિશાન બનાવીને લૂંટફાટ ચલાવી છે. દેશભરમાં ચારે તરફ પથ્થરબાજી અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, બ્લેક શર્ટસ પહેરેલા જૂથો જાણી જોઈને આ રમખાણોને વધારે હવા આપી રહ્યા છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી છે.

પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકારને ભારે જહેમત ઉઠાવવી પડી છે. પોલીસે ઉગ્ર ભીડને ખદેડવા માટે પહેલાં લાઠીચાર્જ કર્યો હતો અને સ્થિતિ કાબૂ બહાર જતાં ટીયર ગેસના શેલ તેમજ વોટર કેનનનો ભારે ઉપયોગ કરવો પડ્યો હતો. રમખાણકારો એટલા આક્રમક હતા કે પોલીસને બખ્તરિયા ગાડીઓ સાથે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આ વ્યાપક હિંસા અને તોડફોડ બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ દેખાવકારોની ધરપકડ કરી લીધી છે. હાલ સમગ્ર ફ્રાંસમાં શહેરો છાવણીમાં ફેરવાઈ ગયા છે અને કુલ ૭૦૦૦૦ જેટલા પોલીસ જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

LATEST ARTICLES