દેશના હવામાનમાં એકસાથે બે વિપરીત અને મોટી ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ હવે વિધિવત રીતે તીવ્ર વાવાઝોડા 'અર્નબ'માં ફેરવાઈ ગયું છે, તો બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં કુદરતે સફેદ ચાદર ઓઢવાનું શરૂ કરી દીધું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, 'અર્નબ' વાવાઝોડું ઝડપથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેની સીધી અસર દેશના 14 જેટલા રાજ્યો પર વર્તાઈ રહી છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયો તોફાની બન્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તંત્ર સાબદા થઈ ગયું છે. પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલું જ નહીં, ઝારખંડ, બિહાર અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ 26 થી 29 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની પૂરી સંભાવના છે.
દેશના એક ભાગમાં જ્યાં વાવાઝોડાનો ડર સતાવી રહ્યો છે, ત્યાં જ ઉત્તર અને મધ્ય ભારતમાં હવે ગુલાબી ઠંડીએ દસ્તક દીધી છે. હિમાલયના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં નવા સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મોસમની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં તો તાપમાનનો પારો શૂન્યની નજીક પહોંચી ગયો છે. પહાડોમાંથી ફૂકાઈને આવતા આ બર્ફીલા પવનો હવે મેદાની વિસ્તારો સુધી પહોંચ્યા છે, જેના કારણે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.
