જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના મોટી વાવડી ગામમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક વૃદ્ધ ખેડૂત સાથે એવી ઘટના બની કે જાણીને કોઈપણનું હૈયુ કમકમાટી પામી જાય. ખેતરમાં પરસેવો પાડીને ઉગાડેલી મગફળીનો પાક જ્યારે તૈયાર થયો અને ખેડૂતે તેને ભેગો કર્યો, ત્યારે કોઈ અસામાજિક તત્વે તેમાં આગ લગાડીને આખી મહેનત પળભરમાં સ્વાહા કરી નાખી.
મળેલી માહિતી મુજબ, મોટી વાવડી ગામમાં રહેતા 70 વર્ષના જીવરાજભાઈ રામજીભાઈ દોંગા નામના ખેડૂતે પોતાની 14 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આમાંથી 12 વીઘા જમીનમાં પાક તૈયાર થઈ જતાં તેમણે મગફળી બહાર કઢાવી હતી અને સુરક્ષિત રીતે ખેતરની વચ્ચે તેનો મોટો ઢગલો કરાવીને રાખ્યો હતો. ગત સોમવારની સાંજના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે આ ઢગલામાં જાણી જોઈને આગ લગાડી દીધી હતી.
આ આગ એટલી ભયાનક હતી કે ઢગલામાં રહેલી અંદાજે 135 મણ એટલે કે 2700 કિલો જેટલી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. સવારે જ્યારે જીવરાજભાઈએ ખેતરમાં આવીને આ નજારો જોયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અનાજની સાથે જાણે તેમની આશા અને મહેનત પણ સળગી ગઈ હતી. આ આગચંપીના કારણે વૃદ્ધ ખેડૂતને અંદાજે રૂા. 1 લાખ 98 હજારનું માતબર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ બનાવ અંગે હેબતાઈ ગયેલા અને નિરાશ થયેલા જીવરાજભાઈએ તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર શૈતાની વૃત્તિવાળા ઇસમની શોધખોળ શરૂ કરી દીધી છે. અન્નદાતા પર આવી આફત લાવનાર કસૂરવાર સામે કડક કાર્યવાહી થાય તેવી લોકઆપણામાં માંગ ઉઠી છે.
