JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

જામનગરમાં કોંગ્રેસ મહિલા સાંસદની હુંકાર: વોટ ચોરી સામે દેશવ્યાપી આંદોલન છેડાયું

Oct 26, 2026 | 17:25 | By JAMNAGAR MIRROR
જામનગરમાં કોંગ્રેસ મહિલા સાંસદની હુંકાર: વોટ ચોરી સામે દેશવ્યાપી આંદોલન છેડાયું
દેશભરમાં ચૂંટણી પંચ સામે વોટ ચોરીના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે વોટ બચાવો, દેશ બચાવો આંદોલન શરૂ કર્યું છે. જામનગરની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ ડો. વિજ્યાલક્ષ્મીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતમાં 68 લાખ અને દેશમાંથી 13 કરોડ મતદારોના નામ ગાયબ થઈ ગયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. કોંગ્રેસે ચીફ ઇલેક્શન કમિશનર સામે કાયદાકીય પગલાં ભરવા અને આગામી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી છે.

જામનગરમાં રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સાંસદ ડો. વિજ્યાલક્ષ્મીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા 1 વર્ષથી પૂરતા આધારપુરાવા અને દસ્તાવેજો સાથે ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી કથિત વોટ ચોરી સામે લડત ચલાવી રહ્યા છે. આ લડાઈ હવે માત્ર પક્ષ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સામાન્ય લોકોના મતાધિકારને બચાવવાની બની ગઈ છે.

સાંસદે આંકડાકીય વિગતો આપતા દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાંથી આશરે 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી નાખવામાં આવ્યા છે. જ્યારે માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો, અડધાથી વધુ એટલે કે 68 લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી કેન્સલ થઈ ગયા છે. ખાસ કરીને કોંગ્રેસને સમર્થન આપતી વોટબેંકને ટાર્ગેટ કરીને ચોક્કસ વિસ્તારો અને વર્ગના લોકોના નામ જ યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે આટલા મોટા પાયે ગરબડ સામે આવી છે ત્યારે ચૂંટણી પંચ ચૂપ બેઠું છે અને ભાજપના નેતાઓ પંચના બચાવમાં મેદાને ઉતરી આવ્યા છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરકાર અને ચૂંટણી પંચ સામે મુખ્ય 3 માંગણીઓ મૂકવામાં આવી છે. પ્રથમ માંગણી ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની છે, બીજી માંગણી વોટ ચોરી અટકાવીને યાદીમાંથી કમી થયેલા તમામ સાચા મતદારોના નામ પાછા ઉમેરવાની છે, અને ત્રીજી તથા સૌથી મોટી માંગણી દેશમાં હવે પછીની ચૂંટણીઓ ઈવીએમ મશીનને બદલે પરંપરાગત બેલેટ પેપરથી યોજવાની છે. આ મુદ્દાઓને લઈને હવે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઘરે ઘરે જઈને જનજાગૃતિ અભિયાન ચલાવશે, જેથી કોઈ પણ નાગરિકનો મત આપવાનો અધિકાર છીનવાઈ ન જાય.

LATEST ARTICLES