જામનગરમાં ક્રિકેટના શોખીનો પર હવે પોલીસની કડક નજર રહેતી હોય છે, છતાં પણ કેટલાક લોકો શોર્ટકટથી પૈસા કમાવવાની લ્હાયમાં કાયદાની પકડમાં આવી જતા હોય છે. તાજેતરમાં જામનગરના હાર્દ સમાન રણમલ તળાવની પાળ પર આવેલા ઐતિહાસિક ભુજીયા કોઠા નજીક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુલ્લેઆમ મોબાઈલમાં ક્રિકેટનો જુગાર રમાઈ રહ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાવની પાળ પર આવેલા પેટ્રોલ પંપની આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિ મોબાઈલ દ્વારા મેચ પર સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત એક્શન લેતા તે જગ્યા પર દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા સુભાષ શાક માર્કેટ પાસે આવેલા ભોઈવાડામાં ઉપલા ફળીમાં રહેતા હસમુખભાઈ કાંતિલાલ દાઉદીયા નામના શખ્સને ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે તે સમયે ન્યુઝીલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ટી-ટવેન્ટ્ી મેચ રમાઈ રહી હતી, અને આ જ લાઈવ મેચ પર આ શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં હારજીતનો જુગાર રમી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી જુગારમાં ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિત કુલ 10210 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહીથી શહેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ક્રિકેટ મેચો દરમિયાન ગેરકાયદેસર સટ્ટો રમવા કે રમાડવા સામે પોલીસ હવે વધુ સતર્ક બની છે અને આ પ્રકારના દરોડાથી ગુનેગારોમાં ચેતવણીનો સંદેશ ગયો છે. હાલ તો પોલીસે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આ સેટિંગ પાછળ અન્ય કોઈ મોટા નામ જોડાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
