JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરેડ પહેલા ડેન્ગ્યુનો પંજો, આસામથી આવેલા 21 જવાનો પોઝિટિવ

Oct 26, 2026 | 16:30 | By JAMNAGAR MIRROR
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરેડ પહેલા ડેન્ગ્યુનો પંજો, આસામથી આવેલા 21 જવાનો પોઝિટિવ
આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પહેલા એકતાનગરમાં ખળભળાટ મચી ગયો છે. પરેડમાં ભાગ લેવા આવેલા આસામના 40 જવાનોમાંથી 21 જવાનો ડેન્ગ્યુનો ભોગ બનતા તંત્ર દોડતું થયું છે અને તમામ દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આગામી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પરેડ યોજાવાની છે, પરંતુ આ મોટા આયોજન પહેલા જ નર્મદા જિલ્લાના એકતાનગરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં પરેડમાં ભાગ લેવા માટે આસામથી ખાસ આવેલી 40 જવાનોની ટુકડીમાંથી અડધાથી વધુ એટલે કે 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવ્યા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં સુરક્ષાદળોના જવાનો મચ્છરજન્ય રોગચાળાની ઝપેટમાં આવી જતા વહીવટી અને આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોના પોલીસ દળો અને સૈન્ય ટુકડીઓ એકતાનગર પહોંચી ચૂકી છે. આ દરમિયાન આસામની ટુકડીના કેટલાક જવાનોને અચાનક ઊંચો તાવ, ભારે શારીરિક દુઃખાવો અને અશક્તિ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે 40 માંથી 21 જવાનોને ડેન્ગ્યુ થયો છે, જેને કારણે સુરક્ષા અધિકારીઓ અને પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.

આ તમામ 21 ડેન્ગ્યુગ્રસ્ત જવાનોને તાત્કાલિક અસરથી એકતાનગરના ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરની વિશેષ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. સદનસીબે હાલ તમામ જવાનોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમના પ્લેટલેટ્સ અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઘટના બનતાની સાથે જ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને જવાનો જ્યાં રોકાયા હતા તે રહેણાંક વિસ્તાર, ટેન્ટ સિટી તેમજ પરેડ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ફોગિંગ અને દવાઓનો છંટકાવ શરૂ કરી દેવાયો છે જેથી આ ચેપ અન્ય લોકો સુધી ન ફેલાય.

LATEST ARTICLES