જામનગરમાં અત્યારે વિકાસ કામોને લઈને રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે કામો કરવામાં આવ્યા છે, તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદભાઈ એમ. રાઠોડએ સીધા દેશના વડાપ્રધાનને પત્ર લખીને આખા મામલાની સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની જોરદાર માંગ કરી છે. આ મામલો સામે આવતા જ સ્થાનીક રાજકારણમાં અને મનપાના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે.
પૂર્વ ડેપ્યુટી મેયરના કહેવા મુજબ, તેમણે અગાઉ મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયાને તારીખ 29-9-2026 અને તારીખ 6-10-2026 ના રોજ લેખિત પત્રો પાઠવ્યા હતા. જેમાં જામનગર મહાનગરપાલિકાના પૂરા થયેલા તેમજ હાલ ચાલુ કામોમાં વપરાતા મટીરિયલનું ટેસ્ટિંગ અને લેબોરેટરીના માપદંડોની જાતે સાઈટ વિઝિટ કરીને તપાસ કરવાની માંગ કરી હતી. આ રજૂઆતોની નકલો સાંસદ, ધારાસભ્ય, મંત્રી, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મુખ્યમંત્રી, મુખ્ય સચિવ તેમજ સ્ટેટ વિજિલન્સ કમિશન સુધી પહોંચાડવામાં આવી હતી, છતાં પરિસ્થિતિ બદલાઈ નથી.
વિવાદનું મુખ્ય કારણ એ છે કે મટીરિયલના રિપોર્ટ્સ ભલે પોઝિટિવ આવતા હોય, પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ છે. જે કામો થયા હતા તે માંડ 4 મહિનામાં જ તૂટી જવા લાગ્યા હતા. આ મામલે અગાઉ વહીવટદાર આરતી કંવરને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાએ માત્ર થીંગડા મારીને સંતોષ માની લીધો હતો. જો મટીરિયલના ટેસ્ટિંગ રિપોર્ટ્સ સારા હતા, તો પછી માત્ર 4 મહિનામાં જ રસ્તાઓ અને બાંધકામ કેવી રીતે તૂટી ગયા? તે મોટો સવાલ છે.
હાલ સ્થિતિ એવી છે કે તળાવની પાળે બનાવાયેલા સીસી રોડ અત્યારથી જ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. તળાવના ગેઈટ નંબર 9 સામેથી ન્યુ સ્કૂલ સુધી ડેમેજ થયેલી કેનાલનું સમારકામ કે નવું કામ પૂરા રૂ।. 1,49,23,297 ના માતબર ખર્ચે કરવામાં આવ્યું હતું, જેની હાલત પણ ખરાબ છે. આ નબળા કામો માટે સીધી જવાબદારી સંબંધિત શાખા અધિકારીઓની બને છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર દ્વારા આ મામલે કડક પગલાં રૂપે જવાબદાર અધિકારીઓને ફરજમાંથી સેવાનિવૃત્ત કરી દેવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે.
