જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે સામાન્ય પ્રજા પરેશાન થઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અનેક વેપારીઓએ તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વીજ થાંભલાઓ પર પોતાના વેપાર-ધંધાના પ્રમોશન માટે કિઓસ્ક બોર્ડ લટકાવી દીધા હતા. જેના કારણે એક તરફ શહેરમાં અશોભનીય દ્રશ્યો સર્જાતા હતા તો બીજી તરફ વીજ થાંભલાઓની સલામતી સામે પણ સવાલો ઉભા થતા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને એસ્ટેટ વિભાગની ટીમે તાજેતરમાં કડક પગલાં ભર્યા છે.
ગત શનિવારે મહાનગરપાલિકાના કાફલાએ મેદાને ઉતરીને આડેધડ અને ગેરકાયદેસર રીતે લટકાવાયેલા કુલ 311 જાહેરાતના કિઓસ્ક બોર્ડ વીજ થાંભલા પરથી ઉતારી લીધા હતા અને તેને જપ્ત કરીને મ્યુનિસિપલ કચેરી ખાતે ખસેડ્યા હતા. તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી વગર મંજૂરીએ ધંધો ચમકાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. માત્ર જાહેરાતના બોર્ડ જ નહીં, પરંતુ શહેરના ધમધમતા વિસ્તારો ગણાતા બર્ધનચોક અને માંડવી ટાવર વિસ્તારમાં પણ એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિક ક્લિયરન્સ માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
આ વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા વચ્ચે જ રેંકડીઓ ઊભી રાખી દેનારા, પથારા પાથરીને બેસનારા અને લારીવાળા તથા ફેરીયાઓ દ્વારા કરાયેલા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ડ્રાઈવ દરમિયાન તંત્રએ રસ્તા પર અડચણરૂપ બનેલા ધંધાર્થીઓને ખસેડીને મોટા પાયે સામાન જપ્ત કર્યો હતો. જેમાં પ્લાસ્ટિકના મુંઢા, કપડાં પ્રદર્શિત કરવાના પુતળા, લોખંડના ટેબલ, 7 વજનકાંટા, 2 મોટી છત્રીઓ, બેઠક માટેના પાટલા તેમજ શાકભાજી કે અન્ય સામાન ભરેલા ખાલી કેરેટ સહિતનો જંગી માલ-સામાન મનપાના વાહનોમાં ભરીને કબજે લેવામાં આવ્યો હતો. તંત્રની આ લાલ આંખથી આગામી દિવસોમાં ટ્રાફિક નિયંત્રણમાં રાહત રહે તેવી આશા જાગી છે.
