મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યભરમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ મોખરે રહ્યો છે. જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ મેડિકલ સુવિધાઓ મળી રહે તે માટે અંદાજિત રૂ. 5 કરોડના ખર્ચે નવનિર્મિત કુલ 11 જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ. 90 લાખના ખર્ચે તૈયાર થયેલી જામખંભાળિયાની તાલુકા હેલ્થ કચેરીનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા પ્રકલ્પો શરૂ થવાથી હવે ગ્રામ્ય પંથકના લોકોને નાની-મોટી બિમારીઓ માટે દૂર સુધી નહીં જવું પડે.
આ ખાસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાએ ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં દેશના છેવાડાના માનવી સુધી આરોગ્યની પાયાની સેવાઓ પહોંચી રહી છે. પહેલા શરૂ થયેલી PMJAY યોજના અંતર્ગત રૂ. 5 લાખની સારવાર સહાય મળતી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા એક કદમ આગળ વધીને આ સહાય મર્યાદા વધારીને રૂ. 10 લાખ સુધીનું સુરક્ષા કવચ નાગરિકોને પૂરું પાડવામાં આવ્યું છે, જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોટો સહારો બની રહી છે.
આજની બદલાતી જીવનશૈલીને કારણે લોકોમાં વિવિધ બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ચિંતિત અને સક્રિય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ થયેલા 11 નવા આયુષ્માન આરોગ્ય મન્દિરોના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં જ સ્થાનિક સ્તરે 12 જેટલા અલગ-અલગ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળતો થશે. આનાથી જિલ્લાનું ગ્રામ્ય આરોગ્ય માળખું વધુ સશક્ત અને લોકઉપયોગી સાબિત થશે તેવો દ્રઢ વિશ્વાસ મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. પ્રકાશ ચાન્ડેગ્રા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજન બદલ આભારવિધિ ઈનચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈને નવા પ્રકલ્પોને વધાવ્યા હતા.
