આજે જ્યારે સરકાર સ્વચ્છતા પાછળ પાણીની જેમ નાણાં ખર્ચી રહી છે, ત્યારે ધાનેરા નગરપાલિકાનો એક કિસ્સો ખુબ જ ચોંકાવનારો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં કચરાના યોગ્ય નિકાલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટમાંથી ધાનેરા નગરપાલિકા દ્વારા અંદાજે 1 કરોડ 70 લાખ રૂપિયાની કિંમતની આધુનિક મશીનરી વસાવવામાં આવી હતી. આશા એવી હતી કે આ મશીનરીથી શહેરનો કચરો સાફ થશે અને લોકોને ગંદકીમાંથી મુક્તિ મળશે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ કહાની કહી રહ્યું છે. હાલ આ કરોડોની કિંમતની મશીનરી ધાનેરાની ડમ્પિંગ સાઈટ પર કોઈ ઉપયોગ વગર તડકા અને વરસાદમાં ધૂળ ખાતી પડી છે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કારણ કે, આ મશીનરી જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે ત્યાં કોઈ પણ જવાબદાર એન્જિનિયરે સાઈટ વિઝિટ સુદ્ધાં કરી ન હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. નિયમ મુજબ આ ભારેખમ મશીનરી નીચે મજબૂત આરસીસી સ્લેબ હોવો અનિવાર્ય છે, જેથી મશીન યોગ્ય રીતે ચાલી શકે. પરંતુ નિયમો નેવે મૂકીને એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોએ મશીનરી નીચે માત્ર સિમેન્ટની સામાન્ય ઇંટો ગોઠવીને જ કામ પતાવી દીધું છે. સામાન્ય ઇંટો પર આટલી મોંઘી મશીનરી મૂકવામાં આવતા તેની ગુણવત્તા અને સ્થાયીપણા સામે મોટા સવાલો ખડા થયા છે.
આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે થઈ જ્યારે આ પ્રોજેક્ટનું કામ હજી અધૂરું અને નબળી ગુણવત્તાવાળું હોવા છતાં, તંત્ર દ્વારા કુલ રકમના 50 ટકાથી વધુનું બિલ પણ પાસ કરીને ચૂકવી દેવામાં આવ્યું છે. આ મામલે કોંગ્રેસ અગ્રણી અને નગરપાલિકા સદસ્ય જય સોલંકીએ આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, આ પૂરા પ્રોજેક્ટમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો છે. ધાનેરાની પ્રજામાં પણ આ બેદરકારી જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે લોકમાંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તથા કસૂરવાર અધિકારીઓ અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.
