ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું ખાત્રજ ગામ હાલ એક વિચિત્ર અને શંકાસ્પદ કૌભાંડના કારણે ચર્ચામાં આવ્યું છે. ગામની સીમમાં પડેલાં બાવળનાં ઝાડને સગેવગે કરવા માટે કોઈએ એવો ખેલ પાડ્યો કે સૌ કોઈ દંગ રહી ગયા છે. ગત 2 ઓક્ટોબરના રોજ કાળાભાઈ ઉદાભાઈ સોઢા નામના વ્યક્તિને ગામની સીમમાંથી બાવળનાં ઝાડ લઈ જવાની મંજૂરી આપતો એક પત્ર વાયરલ થયો હતો. આ પત્ર સામાન્ય નહોતો, પરંતુ સીધો ગ્રામ પંચાયતના સત્તાવાર લેટરપેડ પર છપાયેલો હતો અને તેના પર તલાટી તથા સરપંચની સહીઓ પણ દેખાતી હતી.
પરંતુ અસલી ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે આ મામલે પંચાયતના જવાબદાર પદાધિકારીઓની પ્રતિક્રિયા સામે આવી. જ્યારે આ બાબતે તલાટી અને સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બંનેએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તલાટીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ આ રીતે સત્તાવાર લેટરપેડનો ઉપયોગ જ કરતા નથી અને સરકારી કામો માટે તો કમ્પ્યુટરમાંથી જ પ્રિન્ટ કાઢવામાં આવે છે. બીજી તરફ સરપંચે પણ પત્ર કે સહીઓ સાથે પોતાનો કોઈ જ સંબંધ ન હોવાનું કહીને હાથ અધારે કરી દીધા. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો પંચાયતના આ બંને મુખ્ય અધીકારીઓએ કોઈ મંજૂરી આપી જ નથી, તો પછી પેલા લેટરપેડ પર સહીઓ કોણે કરી અને આ કાગળ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો?
કોઈ પણ સરકારી કે ગ્રામ પંચાયતની સંપત્તિની હરાજી કરવી હોય કે તેનો નિકાલ કરવો હોય, તો તેના માટે કાયદેસરના નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત હોય છે. પરંતુ અહીં તો કશા વગર જ સીધાં બાવળનાં ઝાડ ખિસ્સામાં મૂકવાના ધંધા શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ પંચાયતના સત્તાવાર દસ્તાવેજો અને સહીઓ સાથે આ પ્રકારે ચેડાં કરવા એ બહુ મોટો ગુનો છે. જો આ મામલે ઊંડી તપાસ થાય તો ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ બનાવટી દસ્તાવેજો બનાવવા અને તેનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ કડક કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
ગામના લોકો અને જાગૃત નાગરિકો હવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ એ જ માગ કરી રહ્યા છે કે આ બનાવટી લેટરપેડ, પંચાયતના રેકોર્ડ અને સહીઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો આ કેસમાં કોઈ ભેજબાજ પકડાય નહીં, તો ભવિષ્યમાં આવા લોકો પંચાયતના અન્ય દસ્તાવેજોનો પણ દુરુપયોગ કરતા અટકશે નહીં. તેથી, વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને દોષિતો સામે કાયદાનોં ગાળિયો કસવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
