JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય જાહેર કરવાની કિસાન સંઘની માગ, ધરતીપુત્રો સરકારી સહાયની રાહ જોઈને બેઠા

Oct 25, 2026 | 21:25 | By JAMNAGAR MIRROR
રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય જાહેર કરવાની કિસાન સંઘની માગ, ધરતીપુત્રો સરકારી સહાયની રાહ જોઈને બેઠા
આ વર્ષે નબળા ચોમાસાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. ખેડૂતો અને પશુપાલકો પાયમાલ થવાની આરે છે ત્યારે ભારતીય કિસાન સંઘે તાત્કાલિક સહાય જાહેર કરવાની ઉગ્ર માગ કરી છે.

આ વર્ષે મેઘરાજાએ રીતસરની રિસામણા લેતા રાજ્યમાં ચોમાસુ સાવ નબળું રહ્યું છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં અત્યારથી જ અછત જેવી કફોડી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ ન વરસવાને કારણે ખેડૂતો ચોમાસુ પાક લઈ શક્યા નથી અને હવે ખેતરોમાં પાણી ખૂટી જવાથી શિયાળુ પાક વાવવો પણ અશક્ય બન્યો છે. ચારેબાજુથી આર્થિક સંકટમાં ઘેરાયેલા ધરતીપુત્રો હવે કાગડોળે સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે કોઈક રીતે સરકારી સહાય મળી જાય તો આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકાય.

ખેડૂતોની સાથેસાથે પશુપાલકોની હાલત પણ દયનીય બની ગઈ છે. પીવાના પાણી અને નિયમિત ઘાસચારાના અભાવે માલઢોરનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. બજારમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી માલધારીઓને તે પરવડતા નથી. પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે પશુઓ માટે ઘાસચારો ન મળવાને કારણે માલધારીઓએ હવે હિજરત કરવાનો વારો આવ્યો છે. કિસાન અગ્રણી વિઠ્ઠલ દુધાત્રાના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર પાસે મુખ્યમાનંત્રી કિસાન સહાય યોજના જેવી યોજનાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે, ત્યારે હાલની આ ગંભીર અછતની સ્થિતિમાં આ બંને યોજનાઓની સહાય તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે જેથી દિવાળીના તહેવાર ટાણે તેમને થોડો આર્થિક ટેકો મળી રહે.

બીજી બાજુ, આ મામલે રાજકારણીઓ અને નેતાઓ વચ્ચે પણ નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અછતગ્રસ્ત વિસ્તારોમાં સરવેની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે, તો સામે પક્ષે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આ વાત સામે તીખી પ્રતિક્રિયા આપી છે. આંબલિયાએ આક્રમક અંદાજમાં કહ્યું કે હવે સરવેના નાટક બંધ કરીને નિયમ મુજબ સીધો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લાભ આપવો જોઈએ. દ્વારકા જિલ્લાના ગામડાઓની વાસ્તવિક સ્થિતિ વર્ણવતા તેમણે ઉમેર્યું કે આજે ગામડાઓમાં 8 થી 28 દિવસે પાણી મળે છે અને સરકારે શરૂ કરેલા ઘાસચારા વિતરણ કેન્દ્રો માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. હાલ તો સમગ્ર રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને માલધારીઓ માટે સરકાર ક્યારે રાહત પેકેજ કે સહાય જાહેર કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

LATEST ARTICLES