સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે PGVCL કચેરીમાં ફરજ બજાવતો વર્ગ-4 નો હેલ્પર એક જાગૃત નાગરિકની વાડીનું વીજ મીટર ઉતારી લઈ મોટો દંડ ન કરવાના બદલામાં 60,000 ની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો છે. ખેડૂતની દ્રઢતાને કારણે લાંચિયા કર્મચારીનો પર્દાફાશ થયો છે.
ચોટીલા પંથકમાં ભ્રષ્ટ કર્મચારીઓ સામે ACB ની ટીમ સતત સક્રિય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગ્રામ્ય-2 PGVCL સબ ડિવિઝન કચેરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફરજ બજાવતા વર્ગ-4 ના હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજીયાએ એક સામાન્ય નાગરિક અને ખેડૂતને મોટો દંડ ભરવાની ધમકી આપીને ગેરકાયદે લાંચ પડાવવાનો ખેલ રચ્યો હતો, પરંતુ જાગૃત નાગરિકની સતર્કતાએ આ આખા કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, એક નાગરિકની વાડીએ લગાવવામાં આવેલું PGVCL નું વીજ કનેક્શનનું મીટર અચાનક જ ઉતારી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ વીજ ચોરી કે નિયમભંગનો કોઈ મોટો દંડ ન ફટકારવા અને મામલો થાળે પાડવા માટે 33 વર્ષીય આરોપી હેલ્પર બીપીનભાઈ પારેજીયાએ શરૂઆતમાં 70,000 ની માતબર રકમની માંગણી કરી હતી. જોકે, બંને વચ્ચે થયેલી રકઝકના અંતે આ રકમ ઘટીને 60,000 નક્કી કરવામાં આવી હતી. ખેડૂત કે નાગરિક કોઈપણ ભેગે આ ભ્રષ્ટ કર્મચારીને લાંચ આપવા માંગતા ન હતા, તેથી તેમણે મૂંગા બેસી રહેવાને બદલે સીધો જ ACB નો સંપર્ક કરવાનું નક્કી કર્યું અને રાજકોટ ગ્રામ્ય ACB સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી દીધી.
ફરિયાદ મળતાની સાથે જ રાજકોટ ગ્રામ્ય ACB ની ટીમે સમય બગાડ્યા વગર આખી ઘટના પર પક્કી નજર રાખી અને ચોટીલા PGVCL કચેરીમાં જ એક મોટું ટ્રેપ એટલે કે છટકું ગોઠવ્યું. આયોજન મુજબ જ્યારે ફરિયાદી નાગરિક 60,000 રોકડા આપવા માટે આરોપી હેલ્પર પાસે પહોંચ્યા અને જેવી હેલ્પરામે આ લાંચની રકમ પોતાના હાથમાં સ્વીકારી, તે જ ક્ષણે પહેલેથી જ આસપાસ છુપાઈને બેઠેલી ACB ની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો.
ACB ની ટીમે આરોપી પાસેથી લાંચના 60,000 રોકડા કબજે કરીને તેની અટકાયત કરી લીધી છે. હાલ તો આ ભ્રષ્ટ કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે. આ સાથે જ ACB એ તપાસના ચક્રો એવા પણ ગતિમાન કર્યા છે કે આ કૌભાંડમાં માત્ર આ હેલ્પર એકલો જ સામેલ હતો કે પછી તેની સાથે કચેરીના બીજા કોઈ મોટા અધિકારીઓ કે લાઇનમેનની પણ મિલીભગત હતી. આ ઘટનાથી ચોટીલા પંથકના વીજ કચેરીના બેફામ બનેલા ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
