પંજાબના લુધિયાણા શહેરમાંથી એક કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં જૂની અદાવતમાં એક યુવકની તલવારો અને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ લોહિયાળ ખેલ દરમિયાન હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી યુવકનો હાથ કાંડામાંથી કાપી નાખ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓ કપાયેલો હાથ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નજીકના કરિયાણાના વેપારીને આપી આવ્યા હતા અને આ થેલી મૃતકના પરિવારજનોને પહોંચાડવાની સૂચના આપીને નાસી છૂટ્યા હતા. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકની ઓળખ લુધિયાણાના બસંત નગરના રહેવાસી શક્તિસિંહ ઉર્ફે ભૂરા તરીકે થઈ છે. ઘટનાની વિગત મુજબ, રેડુ સાહિબ ગુરુદ્વારા પાસે આવેલા એક મકાનમાં શક્તિસિંહ હાજર હતો ત્યારે પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને શક્તિસિંહ પર તલવારો અને ધારદાર હથિયારો વડે આડેધડ હુમલો કરી દીધો હતો. મકાનમાલિકે વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો તો આરોપીઓએ તેના પર પણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શક્તિસિંહને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ લોહિયાળ હત્યાકાંડ બાદ સતગુરુ નગર સ્થિત દુકાનદારને કપાયેલા હાથવાળી થેલી સોંપવામાં આવતા સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લુધિયાણાના સહાયક પોલીસ કમિશનર રૂપ દીપ કૌરે જણાવ્યું હતું કે, પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હત્યાના મુખ્ય આરોપી ગુરમીત સિંહ સીડીની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા લાંબા સમયથી ચાલી આવતી અંગત દુશ્મનાવટનું પરિણામ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક શક્તિસિંહ સામે અગાઉથી ૧૨ જેટલા ગુનાહિત કેસો નોંધાયેલા હતા. આશ્ચર્યજનક રીતે, હુમલો કરનારા આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમાંથી મોટાભાગના આરોપીઓ વિરુદ્ધ પણ ડઝન જેટલા ગુના દાખલ છે. હાલ પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે જેથી ફરાર થયેલા બાકીના આરોપીઓને ઝડપી શકાય. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીઓ પહેલાં આ પ્રકારની હિંસક ઘટનાઓ વધતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
