જામનગર મિરર બ્યૂરો,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા જગતમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. તેમણે ડિજિટલ મંચ પર પદાર્પણ કરતાની સાથે જ પોતાના દિવંગત પતિ તથા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના શરૂઆતના દિવસોની યાદો વાગોળી હતી. સોનિયા ગાંધીએ એક વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે કેમ્બ્રિજમાં અભ્યાસ કરતી વખતે તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી. તેમણે રાજીવ ગાંધીને ખૂબ જ દેખાવડા અને સોમ્ય સ્વભાવના વ્યક્તિત્વ તરીકે યાદ કર્યા હતા. આ ઉપરાંત તેમણે આગામી દસમી નવેમ્બરના રોજ રિલીઝ થનાર પોતાના સંસ્મરણો આધારિત પુસ્તક બિલોંગિંગ અ જર્ની ઓફ લવ ની પણ જાહેરાત કરી છે.
સોનિયા ગાંધીએ વિડીયોમાં પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા જણાવ્યું હતું કે તે જમાનામાં ઇંગ્લેન્ડમાં ખાવાનું ખૂબ જ ખરાબ મળતું હતું અને તેઓ હંમેશા સારા ખોટાની શોધમાં રહેતા હતા. તે દરમિયાન કેમ્બ્રિજમાં એક નાના ગ્રીક રેસ્ટોરન્ટમાં તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી. એક સામાન્ય મિત્ર દ્વારા થયેલી આ મુલાકાત બાદ બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી અને રાજીવ ગાંધીનો સૌમ્ય તેમજ વિનમ્ર સ્વભાવ સોનિયા ગાંધીના દિલને સ્પર્શી ગયો હતો. આ વિડીયોમાં તેમણે પોતાના જીવનની સફર, પ્રેમ, ખુશીઓ અને સંસ્મરણોની ઝાંખી કરાવી છે, જેને દેશભરમાંથી ભારે આવકાર મળી રહ્યો છે.
આગામી દસમી નવેમ્બરના રોજ પ્રકાશિત થનારું આ પુસ્તક સોનિયા ગાંધીના બાળપણથી લઈને અત્યાર સુધીની રોમાંચક સફરનું વર્ણન કરે છે. આ પુસ્તકમાં ઇટાલીના વેનેટોમાં વીતેલા દિવસોથી લઈને ભારતમાં આવ્યા પછીની તેમની દિનચર્યા, સાડી પહેરવાની કળા, હિન્દી ભાષા શીખવાની મથામણ અને ભારતીય સંસ્કૃતિ સાથે અનુકૂલન સાધવાની સફરનો સમાવેશ થાય છે. આ સાથે પુસ્તકમાં સંજય ગાંધીનું અવસાન, ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધીની હત્યા જેવા ગંભીર અને દુઃખદ બનાવોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તક વર્ષ બે હજાર ચારની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને સોનિયા ગાંધી દ્વારા વડાપ્રધાન પદના ત્યાગ જેવા રાજકીય મહત્ત્વના સીમાચિહ્નો પર પણ પ્રકાશ પાડશે.
