શનિવારે બપોરે ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તાર અંતર્ગત આવતા રાયપુર ગામમાં એક અકસ્માત સર્જાયો હતો, જ્યાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઝપેટમાં પાંચ અસ્થાયી દુકાનો સંપૂર્ણપણે આવી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા તુરંત જ ફાયર બ્રિજ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી, જેના પગલે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિજની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અગ્નિશામક દળના જવાનોએ ભારે જહેમત અને છ જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે બચાવ ટીમ દ્વારા સ્થળની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે ત્યાંથી એક અજાણ્યો યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. અગ્નિશામક દળ અને પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક તે વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો.
હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં પોલીસે મૃતદેહને કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને આ દુર્ઘટના પાછળના સંજોગો હજુ અસ્પષ્ટ છે, જેને લઈને પોલીસ અને તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
