બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને આગામી દિવસોમાં એક ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું રૂૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી આ હવામાન પ્રણાલી ક્રમશઃ વધુ શક્તિશાળી બની રહી છે. આ વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાતોના મતે, આ વાવાઝોડું અતિ ગંભીર સ્વરૂૂપ ધારણ કરી શકે છે, જેમાં પવનની ઝડપ પ્રતિ કલાક એકસો પાંત્રીસ કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે. આ ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયામાં મોટા અને ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ સંભવિત વાવાઝોડાના પ્રભાવ હેઠળ આંધ્ર પ્રદેશ અને ઓડિસાના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. તંત્ર દ્વારા ખાસ કરીને વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લી સહિતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને રાહત તથા બચાવ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દરિયામાં સર્જાનારી અસામાન્ય સ્થિતિને જોતા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
