JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુરોપમાં પુરાતત્વવિદોને મળી મોટી સફળતા, પ્રાચીન બલ્ગેરિયામાંથી મળી દોઢ હજાર વર્ષ જૂની દુર્લભ માર્બલ પ્રતિમા

Oct 24, 2026 | 16:01 | By JAMNAGAR MIRROR
યુરોપમાં પુરાતત્વવિદોને મળી મોટી સફળતા, પ્રાચીન બલ્ગેરિયામાંથી મળી દોઢ હજાર વર્ષ જૂની દુર્લભ માર્બલ પ્રતિમા

દક્ષિણપૂર્વ બલ્ગેરિયાના બાલાક ડેર પુરાતત્વ સ્થળ પર ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન સંશોધકોને એક અત્યંત દુર્લભ અને અદ્ભુત કલામૃતિ મળી આવી છે. આશરે પંદરસો વર્ષ જૂની આ માર્બલ કોતરણીમાં પ્રકૃતિની દેવી સૈબેલે અને ત્રણ અપ્સરાઓનું અરૂપ એકસાથે દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારે આ તમામ દેવીઓની પ્રતિમા એક જ શિલ્પમાં મળી આવી હોય તેવી આ પહેલી જ ઘટના છે, જેણે વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. બલ્ગેરિયાના રાષ્ટ્રીય ઇતિહાસ સંગ્રહાલયના નિષ્ણાતોની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવેલા આ સંશોધનથી પ્રાચીન સમયની પૂજા પદ્ધતિઓ અને ધાર્મિક પરંપરાઓ પર નવો પ્રકાશ પડી રહ્યો છે.

આ પ્રાચીન મંદિર આશરે ઓગણપચાસ ફૂટ લાંબુ છે અને તે ત્રણ અલગ-અલગ ખંડોમાં વહેંચાયેલું હતું, જેના કાર્યો પણ જુદા જુદા હોવાનું મનાય છે. એક ખંડમાં વેદી મળી આવી છે તો બીજા ખંડમાં બલિદાન માટે વપરાતું માળખું જોવા મળ્યું છે, જ્યારે ત્રીજા ખંડનો ઉપયોગ ભેટ-સોગાદો ધરવા માટે થતો હોવાનું અનુમાન છે. મંદિરની આસપાસથી પાણીની એક વિશેષ નહેર પણ મળી આવી છે જે આડા નદીની નજીક આવેલી છે. પાણીની હાજરી અને અપ્સરાઓના શિલ્પને જોતા સંશોધકો માને છે કે આ સ્થાનનો ઉપયોગ જળ અને પ્રકૃતિની ઉપાસના સાથે જોડાયેલો હોઈ શકે છે. આ શિલ્પકૃતિ તે સમયની કલા અને સંસ્કૃતિની ભવ્ય ગાથા કહે છે.

ઇતિહાસકારોના મતે આ પવિત્ર સ્થળનો ઉપયોગ ત્રીજી સદીથી મૂર્તિપૂજા અને ધાર્મિક વિધિઓ માટે થતો હતો. રોમન સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપ વધવા છતાં આ વિસ્તારમાં પ્રાચીન ધાર્મિક પ્રથાઓ ચાલુ રહી હોવાના પુરાવા મળ્યા છે. પાંચમી સદીના મધ્યભાગમાં કોઈ રહસ્યમય આગને કારણે આ ભવ્ય મંદિર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ આગ પાછળના ચોક્કસ કારણો હજુ અકબંધ છે, પરંતુ આ શોધથી પ્રાચીન થ્રેસિયન સમુદાયોના ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવામાં ખૂબ જ મોટો ફાળો મળશે. સંશોધકો આ વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ઉત્ખનન કરી રહ્યા છે, જેમાંથી સિક્કા અને અન્ય કિંમતી અવશેષો પણ મળી આવ્યા છે.

LATEST ARTICLES