રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીને લઈ જવાના ભાડા બાબતે ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખૂની અથડામણ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઇમર્જન્સી ગેટ પાસે દર્દીને પોતાની ગાડીમાં બેસાડવા બાબતે બે અલગ-અલગ જૂથના એમ્બ્યુલન્સ ચાલકો સામસામે આવી ગયા હતા અને મામલો એટલો બગડ્યો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ અશાંત અને અસભ્ય વર્તનને કારણે હોસ્પિટલ પરિસરમાં આવતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભય તેમજ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક દર્દીને અમરેલી લઇ જવા માટે ભાડું નક્કી કરવા બાબતે આ વિવાદ શરૂ થયો હતો. એક પક્ષના ડ્રાઇવરે અમરેલીના ડિલિવરી કેસ માટે ભાડું નક્કી કર્યું હતું, પરંતુ જ્યારે ગાડી દર્દીને બેસાડવા માટે ઇમર્જન્સી ગેટ પાસે પહોંચી ત્યારે બીજા પક્ષના એમ્બ્યુલન્સ ચાલકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ભાડામાં દખલગીરી કરવાના આક્ષેપ સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. આ તકે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બંને પક્ષના ચાલકો વચ્ચે ગડદાપાટુનો માર શરૂ થયો હતો. આ મારામારી દરમિયાન એક એમ્બ્યુલન્સના કાચ તોડી નાખવામાં આવ્યા હોવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ગંભીર ઘટના બાદ બંને પક્ષો દ્વારા સ્થાનિક પોલીસ મથકે સામસામી ફોજદારી ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષના ડ્રાઇવરોના નિવેદન નોંધવાની સાથે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થળે માનવતાને શરમ પમાડે તે રીતે એમ્બ્યુલન્સ જેવા સેવાકીય વાહનોના ચાલકો દ્વારા પેસેન્જર કે ભાડા માટે આ પ્રકારે જાહેરમાં મારામારી કરવાના કિસ્સાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
