ચેન્નાઈ ખાતે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં મહિલાઓ સામે વધી રહેલા ગંભીર અપરાધોને લઈને મુખ્યમંત્રી સી જોસેફ વિજયની આગેવાનીવાળી સરકાર સામે વિપક્ષી પક્ષોએ મોરચો ખોલ્યો છે. રાજ્યમાં તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓ બાદ શાસક પક્ષ વિરુદ્ધ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષી દળોએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે વર્તમાન પ્રશાસન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે અને મુખ્યમંત્રી ગંભીર મુદ્દાઓ પર આંખ આડા કાન કરી રહ્યા છે.
વિરોધ પક્ષના નેતા અને અગ્રણી નેતા ઉધનિધિ સ્ટાલિને સરકારની આકરી ટીકા કરતા આક્ષેપ કર્યો કે પ્રશાસન જમીની વાસ્તવિકતાથી દૂર છે અને મુખ્યમંત્રી જનસુરક્ષા કરતા અન્ય બાબતોમાં વધુ વ્યસ્ત છે. તૂતીકોરિન જિલ્લામાં મધ્યરાત્રિએ થયેલી હુમલાની ઘટનામાં એક મહિલાનું કરુણ મૃત્યુ થયું હતું તેમજ તેના પરિવાર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઉપરાંત કન્યાકુમારી જિલ્લામાં એક કોલેજ વિદ્યાર્થિની સાથે કથિત છેડતીની ઘટનામાં શાસક પક્ષના જ એક પદાધિકારીનું નામ સામે આવતા રાજકારણ વધુમા ગરમાયું છે.
અન્ય વિપક્ષી નેતા એડપ્પાડી કે પલાનીસ્વામીએ પણ સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલ વિશેષ દળ નિષ્ક્રિય બની ગયું છે. તેમણે યુવતીઓ અને મહિલાઓને પોતાની સુરક્ષા માટે સજાગ રહેવા તેમજ સ્વરક્ષણ માટેના સાધનો સાથે રાખવાની સલાહ આપી છે. વિપક્ષી નેતાઓએ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને દોષિતો સામે કોઈપણ રાજકીય દબાણ વગર કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.
