JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ડીસા માર્કેટ યાર્ડમાં પાંચસો કરોડના પાકો કર ચોરી કૌભાંડનો પર્દાફાશ, વેપારીનો વીડિયો વાયરલ થતા રાજકારણમાં ભૂકંપ

Oct 23, 2026 | 11:00 | By JAMNAGAR MIRROR
ડીસા માર્કેટ યાર્ડમાં પાંચસો કરોડના પાકો કર ચોરી કૌભાંડનો પર્દાફાશ, વેપારીનો વીડિયો વાયરલ થતા રાજકારણમાં ભૂકંપ

ઉત્તર ગુજરાતના અગ્રેસર ગણાતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ અને કરોડો રૂપિયાની કર ચોરી થતી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. માર્કેટ યાર્ડના જ એક જાગૃત વેપારી દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલા એક વીડિયોએ સમગ્ર વેપારી આલમ અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ વાયરલ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડીસા માર્કેટ યાર્ડમાં આશરે પાંચસો કરોડ રૂપિયાનું જંગી કર ચોરી કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાના રાજસ્વનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ ખુલાસા બાદ સંડોવાયેલા તત્વોમાં દોડધામ મચી ગઈ છે.

વાયરલ વીડિયોમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે વર્ષ દરમિયાન અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરીને સ્થાનિક સ્તરે તેના બિલનો બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો છે. નિયમોને નેવે મૂકીને કરાયેલા આ વહીવટમાં હરાજી વગર જ બહારના રાજ્યોના બિલ સ્થાનિક વેપારીઓને પકડાવી દેવામાં આવતા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં, મંડળીઓના સંચાલકો અને કેટલાક સ્વાર્થી વેપારીઓની મિલીભગતથી હલકી ગુણવત્તાનો માલ ભરાવીને સરકારી યોજનાઓ અને ટેકાના ભાવની ખરીદીમાં પણ મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. મોટાભાગના વેપારીઓ પાકા બિલ વગર જ વ્યવહારો કરતા હોવાથી સરકારી તિજોરીને ભારે ચૂનો લાગી રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ માર્કેટ યાર્ડના સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ પોતાના બચાવ માટે સક્રિય થઈ ગયા છે. કર ચોરીના આ કેસમાં ફસાયેલા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને વીડિયો બનાવનાર તથા તેને વાયરલ કરનાર વેપારીને દબાવવાના તેમજ ધાકધમકી આપીને પુરાવા મિટાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ ગંભીર પ્રકરણ સામે આવતા હવે સરકારી એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે, જેથી આ મહાકૌભાંડના અસલી સૂત્રધારોને બેનકાબ કરી શકાય.

LATEST ARTICLES