મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની વૈભવી કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અભિનેતાની કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરથી દાઝવાના નિશાન સામે આવ્યા છે, પરંતુ સદભાગ્યે તેમને સીધી ગોળી વાગી ન હતી. આ અચાનક થયેલા હુમલામાં ટાઈગરનો ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સમયે ટાઈગર ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠા હતા અને ડ્રાઈવરને ઈજા થતાં તેમણે જાતે જ ગાડીનું સ્ટિયરિંગ સંભાળીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ગંભીર ઘટના બાદ રાજ્યભરમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાત્કાલિક અભિનેતાના નિવાસ્થાને પહોંચીને પરિવાર સાથે મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ફડણવીસે એક મહત્વપૂર્ણ નિવેદનમાં દાવો કર્યો હતો કે આ હુમલા પાછળ વિદેશમાં બેઠેલા ઓપરેટરોનો હાથ છે અને તેના આકાઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં. મુંબઈમાં કોઈપણ પ્રકારની ગુલામગીરી કે ગુંડાગીરી સાંખી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ પોલીસ કમિશનર સાથે બેઠક યોજીને તપાસને વેગ આપવામાં આવ્યો છે અને હુમલામાં વપરાયેલી બાઇક અંધેરી સ્ટેશન પાસેથી કબ્જે કરવામાં આવી છે.
મુંબઈ પોલીસની સક્રિયતા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે માત્ર સોળ કલાકના ટૂંકા ગાળામાં જ સગીર સહિત ચાર શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ જણાને કોટા રેલવે કોલોનીમાંથી ઝડપવામાં આવ્યા હતા, જેઓ નેપાળ ભાગવાના ફિરાકમાં હતા, જ્યારે ચોથા આરોપીને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પાસેથી પકડી લેવાયો હતો. આ દરમિયાન અનિલ પંડિતના નામે વાયરલ થયેલા એક ઓડિયોએ બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં સુપરસ્ટાર સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી માફી માંગવાની ધમકી આપવામાં આવી છે. આ તમામ ઘટનાક્રમને પગલે મુંબઈમાં કલાકારોની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે અને પોલીસે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.
