મહિલાઓના સ્વાસ્થ્યને લગતી અનેક જટિલ સમસ્યાઓમાંથી અંડાશયમાં બનતી ચોકલેટ સિસ્ટ હાલના સમયમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક તરીકે સામે આવી રહી છે. સાંભળવામાં આ નામ ભલે મીઠું અને આકર્ષક લાગે, પરંતુ વાસ્તવિકતામાં તેનો ખાવા માટેની ચોકલેટ સાથે કોઈ જ સંબંધ નથી. આ અંડાશયની અંદર બનતી એક એવી અસામાન્ય ગાંઠ છે, જેમાં લોહી જમા થઈ જાય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ઓવેરિયન એન્ડોમેટ્રિયોમા તરીકે ઓળખવામાં આવે છે, જે એન્ડોમેટ્રિયોસિસ નામની ગંભીર બીમારી સાથે સીધી રીતે જોડાયેલી છે. આ સ્થિતિમાં ગર્ભાશયની અંદર રહેલા કોષો ગર્ભાશયની બહાર અનિયમિત રીતે વધવા લાગે છે અને જ્યારે તે અંડાશય સુધી પહોંચે છે ત્યારે તે સિસ્ટનું સ્વરૂપ ધારણ કરી લે છે.
આ સિસ્ટની અંદર જમા થયેલું લોહી સમય જતાં જૂનું થઈને ભૂરા રંગનું થઈ જાય છે, જે જોવામાં ઓગળેલી ચોકલેટ જેવું પ્રતીત થાય છે, અને તેથી જ તેને ચોકલેટ સિસ્ટ નામ આપવામાં આવ્યું છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ બીમારી થવાના ચોક્કસ કારણો હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શક્યા નથી, પરંતુ આનુવંશિક પરિબળો આમાં મોટો ભાગ ભજવે છે. જો પરિવારમાં અગાઉ માતા કે બહેનને એન્ડોમેટ્રિયોસિસની સમસ્યા રહી હોય, તો અન્ય મહિલાઓમાં પણ તેનો ખતરો નોંધપાત્ર રીતે વધી જાય છે. આ ઉપરાંત, શરીરમાં એસ્ટ્રોજન જેવા હોર્મોન્સનું અસંતુલન અને રોગપ્રતિકારક શક્તિની નબળાઈ પણ આ પ્રકારની ગાંઠના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાનું મનાય છે.
ચોકલેટ સિસ્ટના લક્ષણોની વાત કરીએ તો, ઘણી મહિલાઓમાં શરૂઆતમાં તેના કોઈ ખાસ સંકેતો જોવા મળતા નથી અને અલ્ટ્રાસાઉન્ડ જેવા સામાન્ય પરીક્ષણ દરમિયાન જ આ બીમારીની જાણ થાય છે. જો કે, મુખ્ય લક્ષણોમાં માસિક ધર્મ દરમિયાન અસહ્ય અને ભારે પેટનો દુખાવો, પેલ્વિક વિસ્તારમાં સતત પીડા તેમજ કેટલીક મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી પીડિત મહિલાઓએ સમયસર યોગ્ય નિદાન કરાવીને નિષ્ણાત તબીબોની સલાહ લેવી અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે અહીં આપવામાં આવેલી માહિતી માત્ર પ્રાથમિક જાણકારી માટે છે અને કોઈપણ પ્રકારનો ઉપચાર શરૂ કરતા પહેલા હંમેશા લાયક તૈબીબની માર્ગદર્શિકા અવશ્ય લેવી જોઈએ.
