પંજાબમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવનાર જાણીતા સામાજિક કાર્યકર પરવિન્દર સિંહ ઝોટાની સરાજાહેર હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી હત્યાકાંડના વિરોધમાં ભારતીય જનતા પક્ષે રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેવલ સિંહ ધિલ્લોને રાજ્યભરના નાગરિકોને ન્યાયની માંગ સાથે કાળી પાઘડી અને કાળા દુપટ્ટા ધારણ કરી તેમજ કાળા વાવટા ફરકાવીને સરકાર સામે શાંતિપૂર્ણ પણ મજબૂત વિરોધ નોંધાવવા ભાવુક અપીલ કરી છે. તેઓ માનસા ખાતે ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા અને મૃતક કાર્યકરના શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.
આ સમગ્ર લોહિયાળ ઘટનાની વિગત મુજબ, માનસામાં તેરમી ઓક્ટોબરે પરવિન્દર સિંહ ઝોટાએ એક મેડિકલ સ્ટોર પર પ્રતિબંધિત નશાકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો પર્દાફાશ કરવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું. આ દરમિયાન દુકાનદાર સાથે તીખી તકરાર થતાં કેમિસ્ટ દ્વારા તેમના પર ગોળીઓ વરસાવીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ દોહરાવતા સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન રાજ્ય સરકાર પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. તેમણે ઝોટાને એક એવા નીડર યોદ્ધા ગણાવ્યા હતા જે પંજાબના યુવાધનને નશાના અંધકારમાંથી બચાવવા માટે સતત લડી રહ્યા હતા.
રાજ્ય સરકારની નિષ્ફળતા પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે, સત્તામાં આવતાની સાથે જ ત્રણ મહિનામાં ડ્રગ્સ નાબૂદ કરવાના મોટા દાવા કરનારા શાસકોના રાજમાં નશાનો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે. પંજાબમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેમની સામે અવાજ ઉઠાવનારા લોકો સુરક્ષાના અભાવે જીવ ગુમાવી રહ્યા છે. અગાઉ તૂર વણઝારાના ગુલઝાર સિંહને પણ નશા વિરુદ્ધ બોલવા બદલ આત્મહત્યા માટે મજબૂર થવું પડ્યું હતું. આ ઉપરાંત, લોકપ્રિય ગાયક સિદ્ધુ મૂસેવાલા અને આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નંગલ અંબિયાની હત્યાના કેસોમાં પણ પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
