JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

સાવધાન: ગૂગલ પ્લે સ્ટોર પર અસલી જેવી દેખાતી નકલી વોટ્સએપ એપ સક્રિય, પાંચ લાખથી વધુ લોકો છેતરાયા

Oct 18, 2026 | 16:08 | By JAMNAGAR MIRROR
સાવધાન: ગૂગલ પ્લે સ્ટોર પર અસલી જેવી દેખાતી નકલી વોટ્સએપ એપ સક્રિય, પાંચ લાખથી વધુ લોકો છેતરાયા

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે વોટ્સએપ સૌથી અનિવાર્ય માધ્યમ બની ગયું છે. સામાન્ય સંદેશા વ્યવહાર, ઓડિયો-વિડિયો કોલિંગ, ઓફિસની કામગીરી અને ઓનલાઇન નાણાકીય વ્યવહારો માટે કરોડો લોકો તેના પર નિર્ભર છે. વપરાશકર્તાઓની આ વિશાળ સંખ્યાનો ગેરલાભ ઉઠાવવા માટે સાયબર ગઠિયાઓએ હવે ગૂગલ પ્લે સ્ટોર પર આબેહૂબ અસલી જેવી દેખાતી નકલી વોટ્સએપ એપ્લિકેશન બનાવીને મોટો ખતરો ઊભો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે સત્તાવાર એપ સમજીને ટૂંકા જ સમયગાળામાં પાંચ લાખથી પણ વધુ ભોળા લોકોએ આ જોખમી ક્લોન એપ પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી લીધી છે.

ગૂગલ પ્લે સ્ટોર પર અગાઉ નકલી ક્રોમ બ્રાઉઝર સામે આવ્યા બાદ હવે વોટ્સએપની નકલી એપ મળતા ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ એપ ગત સપ્ટેમ્બર મહિનાથી પ્લે સ્ટોર પર સક્રિય હોવાનું બહાર આવ્યું છે. સાયબર ભેજાબાજોએ વધુમાં વધુ લોકોને શિકાર બનાવવા માટે પેઇડ ઝુંબેશ ચલાવી હતી, જેથી કોઈ પણ વ્યક્તિ સ્ટોર પર સર્ચ કરે ત્યારે આ નકલી એપ સૌથી ઉપર પ્રાયોજિત વિકલ્પ તરીકે દેખાતી હતી. બેતાલીસ મેગાબાઇટની આ એપનો લોગો, નામ અને ગ્રાફિક્સ મૂળ એપ જેવા જ રાખવામાં આવ્યા હોવાથી અસંખ્ય લોકો કોઈપણ જાતની ચકાસણી વગર તેને ઇન્સ્ટોલ કરવાની ભૂલ કરી બેઠા હતા.

પ્રથમ નજરે અસલી લાગતી આ એપ્લિકેશનનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો અનેક ખામીઓ સામે આવી છે. વાસ્તવિક વોટ્સએપના નિર્માતાનું નામ ‘વોટ્સએપ એલએલસી’ દર્શાવેલું હોય છે, જ્યારે આ નકલી એપ કોઈ અજાણ્યા ડેવલપર દ્વારા અપલોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમાં વર્ણન કોપી-પેસ્ટ કરેલું હતું, જેમાં શબ્દોની ભૂલો અને સેવાઓની શરતો સંબંધિત લિંક્સ નિષ્ક્રિય હતી તેમજ એક જ ફોટો બે વાર મૂકવામાં આવ્યો હતો. જો તમે તાજેતરમાં નવો ફોન ખરીદ્યો હોય કે ફોન રીસેટ કરીને ફરીથી વોટ્સએપ ડાઉનલોડ કર્યું હોય, તો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ડેવલપરની વિગતો ચકાસી લેવી જરૂરી છે, જેથી અંગત ડેટા અને બેંક ખાતા સુરક્ષિત રહી શકે.

LATEST ARTICLES