JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ગ્રીસમાં પ્રભુતામાં પગલાં પાડશે: ચેન્નાઈમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Oct 18, 2026 | 16:06 | By JAMNAGAR MIRROR
સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ગ્રીસમાં પ્રભુતામાં પગલાં પાડશે: ચેન્નાઈમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

દક્ષિણ ભારતીય મનોરંજન જગત અને ઉદ્યોગ જગતમાં હાલ એક મોટા હાઈ-પ્રોફાઈલ લગ્નની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રખ્યાત સંગીત નિર્દેશક તથા સુપરસ્ટાર રજનીકાંતના ભાણેજ અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદ ક્રિકેટ ટીમના માલિક કાવ્યા મારન ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ લગ્ન સમારોહ વિદેશની ધરતી પર ગ્રીસ દેશમાં ખૂબ જ અંગત અને શાહી અંદાજમાં યોજાશે. આ વિદેશી લગ્ન સમારોહમાં માત્ર બંને પરિવારના સભ્યો, નજીકના સગા-સંબંધીઓ અને પસંદગીના અંગત મિત્રો જ ઉપસ્થિત રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, લગ્ન વિધિ નવેમ્બર મહિનાની ૧૦ અને ૧૧ તારીખ દરમિયાન સંપન્ન થાય તેવી શક્યતા છે. અગાઉ ગ્રીસના સેન્ટોરિની ટાપુ પર લગ્ન યોજાવાની અટકળો વહેતી થઈ હતી, પરંતુ તાજા અહેવાલો મુજબ તે અન્ય કોઈ શાંત અને રમણીય સ્થળે યોજાશે. આ સમગ્ર લગ્નનું આયોજન મારન પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશથી આવતા મહેમાનોની મુસાફરી, હવાઈ ટિકિટો, રહેઠાણ અને વાહનવ્યવહાર સહિતની તમામ સુવિધાઓ યજમાન પરિવાર સંભાળી રહ્યો છે. ગ્રીસના સમારોહ માટે કોઈ છાપેલી કંકોત્રીઓ વહેંચવામાં આવી નથી, પરંતુ માત્ર અંગત સંદેશાઓ દ્વારા જ ખાસ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વિદેશમાં ખાનગી લગ્ન સંપન્ન થયા બાદ આગામી ૨૧ નવેમ્બરના રોજ ચેન્નાઈ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં સિનેમા જગત, ઉદ્યોગ, રમતગમત અને રાજકારણની દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહેશે. તાજેતરમાં જ અનિરુદ્ધ અને કાવ્યાના માતા-પિતાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરીને તેમને ચેન્નાઈ રિસેપ્શન માટે વિધિવત નિમંત્રણ પાઠવ્યું હતું. આ ઉપરાંત તમિલ સિનેમાના જાણીતા અભિનેતા અને રાજનેતા વિજય સહિતના મહાનુભાવોને પણ આમંત્રણ અપાયું છે. જોકે, બંને પરિવારો તરફથી હજુ સત્તાવાર રીતે લગ્નની તારીખો જાહેર કરવામાં આવી નથી.

LATEST ARTICLES