JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

આજી ઔદ્યોગિક વસાહતમાં દોઢ કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો: ૧૦ આરોપીઓની ધરપકડ, સોના-ચાંદી સહિત તમામ મુદ્દામાલ જપ્ત

Oct 16, 2026 | 18:22 | By JAMNAGAR MIRROR

રાજકોટ શહેરના આજી ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ પેઢીના મેનેજરની હત્યા કરી રૂપિયા દોઢ કરોડથી વધુની કિંમતના સોના-ચાંદીની સનસનાટીભરી લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પેઢીના પૂર્વ અને વર્તમાન કર્મચારી સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી લૂંટમાં ગયેલું ૯૪૬ ગ્રામ રિફાઈન સોનું, બે કિલો ચાંદીનો પાવડર અને ગુનામાં વપરાયેલા વાહનો મળીને કુલ રૂપિયા ૧,૫૭,૬૫,૫૦૦નો સો ટકા મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પેઢીમાંથી પાંચ મહિના પહેલાં માલિક સાથે ઝઘડો થતાં અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ નામના કર્મચારીને અપમાનિત કરીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ અપમાનનો બદલો લેવા અને નાણાંની જરૂરિયાત સંતોષવા માટે લંકેશે ઉત્તર પ્રદેશના ગુનાહિત ઈતિહાસ ધરાવતા સાગરીતો સાથે મળીને આ લૂંટનું કાવતરું ઘડ્યું હતું. પેઢીમાં હાલ નોકરી કરતા તેના વતનના સાથી શૈલેષ ખરવારે સ્થાનિક બાતમીદાર તરીકે પેઢીની તમામ હિલચાલની માહિતી પૂરી પાડી હતી. આયોજન મુજબ, પેઢીના મેનેજર લાલજીભાઈ સરધારા કિંમતી માલસામાન લઈને નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા અને પ્રતિકાર કરતાં મેનેજર પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી તેમની હત્યા નીપજાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. શંકાસ્પદ વાહનો રાજસ્થાન તરફ ભાગ્યા હોવાનું જણાતાં, રાજસ્થાન પોલીસ સાથે સંકલન સાધી સીરોહીના પિંડવાળા ખાતેથી મુખ્ય સૂત્રધાર લંકેશ સહિત ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા. ત્યારબાદ તેમની પૂછપરછના આધારે ઉદયપુર પાસેથી સોના-ચાંદીના મુદ્દામાલ સાથે અન્ય બે શખ્સોને અને કચ્છના સામખીયાળી પાસેથી વધુ ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટમાંથી બાતમી આપનાર કર્મચારી શૈલેષની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ઝડપાયેલા તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અગાઉ પણ હત્યાની કોશિશ તેમજ મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે લૂંટની રકમમાંથી મુખ્ય ચાર આરોપીઓ ૭૦ ટકા હિસ્સો રાખવાના હતા, જ્યારે બાકીના આરોપીઓ અને બાતમીદાર વચ્ચે ૩૦ ટકા હિસ્સાની વહેંચણી નક્કી થઈ હતી. હાલ અદાલતે તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

LATEST ARTICLES