JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મેરઠમાં પતિની હત્યા કરી સાપના ડંખનું નાટક કરનાર પત્ની અને પ્રેમીને ફાંસી, દાંત વગરના સાપે ખોલી પોલ

Oct 16, 2026 | 17:40 | By JAMNAGAR MIRROR
મેરઠમાં પતિની હત્યા કરી સાપના ડંખનું નાટક કરનાર પત્ની અને પ્રેમીને ફાંસી, દાંત વગરના સાપે ખોલી પોલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક અતિ ચકચારી અને ક્રૂર હત્યાકાંડમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોતાના પતિની નિર્દયતાથી હત્યા કર્યા બાદ સમગ્ર ગુનાને સાપ કરડવાથી થયેલું સામાન્ય મૃત્યુ દર્શાવવાનો કારસો રચનાર પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને અદાલતે ફાંસીની સજા ફટકારી છે. આ બંનેએ અનૈતિક સંબંધોમાં અવરોધરૂપ બનતા પતિ અમિત કશ્યપની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન જે સાપથી ડંખ મરાવવાનો દાવો કરાયો હતો તે સાપના ઝેરી દાંત પહેલેથી જ કાઢી લેવાયેલા હોવાનું સામે આવતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપીઓએ અમિતનું ગળું ઘોંટી દીધા બાદ પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા તેના શરીર પર સાપ ફેંક્યો હતો. પરંતુ ફોરેન્સિક અને વન વિભાગની તપાસમાં સાપ બિનઝેરી અને દાંત વગરનો નીકળતાં ભાંડો ફૂટી ગયો હતો. આ કેસનો ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશે ગંભીર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, હિન્દુ પરંપરામાં પત્ની પોતાના પતિના દીર્ઘાયુ માટે કરવા ચોથ જેવું પવિત્ર વ્રત રાખે છે, ત્યારે પોતાના જ પતિ વિરુદ્ધ આચરવામાં આવેલું આવું અધમ કૃત્ય અક્ષમ્ય છે. મૃતક અને દોષિત મહિલાના ત્રણ માસૂમ બાળકોના ભવિષ્ય અને ભરણપોષણની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટ સંભાળશે તેવો પણ આદેશ કરાયો છે.

મેરઠની સ્થાનિક અદાલતમાં માત્ર એક જ અઠવાડિયામાં આ પ્રકારના ગુનામાં પ્રેમી યુગલને ફાંસીની સજા થઈ હોય તેવી આ બીજી ઘટના છે. આ અગાઉ, પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરવા બદલ મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને પણ અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. તે કેસમાં કુલ ૧૨૬ સુનાવણી અને ૨૨ સાક્ષીઓની જુબાની બાદ આરોપીઓએ મૃતદેહના ટુકડા કરી વાદળી રંગના ડ્રમમાં સિમેન્ટ-રેતી ભરીને છુપાવ્યા હોવાનું સાબિત થયું હતું. ન્યાયાધીશે આ પ્રકારના ગુનાઓને સમાજમાં ભારે દહેશત અને અસુરક્ષા પેદા કરનારા ગણાવ્યા હતા.

LATEST ARTICLES