JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

લાલપુરમાં ગ્રામસભા માત્ર ઔપચારિક બની: લોકો સુધી યોગ્ય જાણ ન કરાતાં પાંખી હાજરીથી ભારે રોષ

Oct 03, 2026 | 23:29 | By JAMNAGAR MIRROR
લાલપુરમાં ગ્રામસભા માત્ર ઔપચારિક બની: લોકો સુધી યોગ્ય જાણ ન કરાતાં પાંખી હાજરીથી ભારે રોષ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના પાવન અવસરે લાલપુર ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ લોકશાહીમાં ગામના વિકાસ અને પાયાના પ્રશ્નોની ચર્ચા માટે ગ્રામસભા અત્યંત મહત્વનું મંચ ગણાય છે. તેમ છતાં લાલપુર ખાતે યોજાયેલી આ અગત્યની સભામાં આશ્ચર્યજનક રીતે ગ્રામજનોની નહિવત હાજરી જોવા મળી હતી. ગામના વિકાસની યોજનાઓ ઘડવા માટે બોલાવાયેલી આ સભા પૂરતા પ્રચાર-પ્રસારના અભાવે માત્ર ઔપચારિક બની રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ ગ્રામસભામાં સ્થાનિક ગ્રામજનોની ભાગીદારી લગભગ શૂન્ય સમાન રહી હતી. સભાખંડમાં માત્ર ગણ્યાગાંઠ્યા શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ પંચાયતના માત્ર બે સભ્યો અને સરપંચ, ઉપસરપંચ તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિ જોવા મળી હતી. સામાન્ય નાગરિકોની ગેરહાજરીને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે પંચાયત દ્વારા ગ્રામસભા યોજવા અંગે અગાઉથી કોઈપણ પ્રકારની યોગ્ય કે સત્તાવાર જાણ કરવામાં આવતી નથી, જેના કારણે લોકો પોતાના ગામના પ્રશ્નોની રજૂઆત કરવાથી વંચિત રહી જાય છે.

સ્થાનિક સ્તરે એવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે પંચાયત દ્વારા વેરા વસૂલાત કરવાની હોય ત્યારે લાઉડ સ્પીકર ફેરવીને ઘેર-ઘેર જાહેરાત કરવામાં આવે છે, પરંતુ જ્યારે ગામના વિકાસ અને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ગ્રામસભા બોલાવવાની હોય ત્યારે તંત્ર દ્વારા મૌન કેમ સેવી લેવામાં આવે છે? જો પંચાયત દ્વારા લાઉડ સ્પીકર કે જાહેર પત્રિકા દ્વારા આગોતરી જાણ કરવામાં આવી હોત તો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શક્યા હોત.

ગ્રામસભા એ ગ્રામીણ સ્તરે પારદર્શિતા અને નાગરિક અધિકારોનું મુખ્ય કેન્દ્ર છે. પાણી, સફાઈ, રસ્તા અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે સૌની ભાગીદારી અનિવાર્ય છે. આથી, લાલપુરના જાગૃત નાગરિકો દ્વારા એવી પ્રબળ માંગ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં યોજાનારી ગ્રામસભાઓની તારીખ, સમય અને સ્થળની યોગ્ય જાહેરાત કરવામાં આવે જેથી તમામ લોકો ઉપસ્થિત રહી શકે અને ગામના હિતમાં ખુલ્લી ચર્ચા શક્ય બને.

LATEST ARTICLES