JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

નોકરીમાંથી કાઢી મૂકવાના ખારમાં પૂર્વ કર્મીએ ઘડ્યું લૂંટનું કાવતરું: દોઢ કરોડના સોનાની લૂંટ અને મેનેજરની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ

Oct 16, 2026 | 16:51 | By JAMNAGAR MIRROR
નોકરીમાંથી કાઢી મૂકવાના ખારમાં પૂર્વ કર્મીએ ઘડ્યું લૂંટનું કાવતરું: દોઢ કરોડના સોનાની લૂંટ અને મેનેજરની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ

આજી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી તન્વી એક્સપોર્ટ પેઢીમાં બુધવારે સમી સાંજે બનેલી લૂંટ વિથ મર્ડરની સનસનીખેજ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. હથિયારધારી લૂંટારુઓએ પેઢીમાં ઘૂસી મેનેજર લાલજીભાઈ સરધારા પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમની નિર્મમ હત્યા નીપજાવી હતી અને પેઢીમાંથી રૂપિયા ૧.૫૩ કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ગુનાની ગંભીરતાને પારખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક ગુના શોધક શાખા અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્ક આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ચકચારી લૂંટ પાછળ પેઢીના જ એક પૂર્વ કર્મચારીનો હાથ હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સમગ્ર લૂંટનું કાવતરું અગાઉ આ પેઢીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી ચૂકેલા અશ્વિનીકુમાર નામના શખ્સે ઘડ્યું હતું. અશ્વિનીકુમાર સતત સાથી કર્મચારીઓ સાથે ઝઘડા કરવાની વિકૃત માનસિકતા ધરાવતો હોવાથી સંચાલકોએ તેને અઢી વર્ષ પૂર્વે જ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તે એક કોન્ટ્રાક્ટર મારફતે ફરી પેઢીમાં કામે લાગ્યો હતો, પરંતુ પોતાના સ્વભાવમાં સુધારો ન લાવતાં કોન્ટ્રાક્ટરે પણ તેને છ મહિના પહેલાં છૂટો કરી દીધો હતો. બે-બે વાર નોકરીમાંથી હાંકી કઢાયાનો બદલો લેવા અને માલામાલ થવાના ઈરાદે તેણે પેઢીની તમામ ગતિવિધિઓથી વાકેફ હોવાનો ગેરલાભ ઉઠાવી આ ઘાતક ષડયંત્ર રચ્યું હતું.

આ લૂંટમાં વધુ એક કંપારી છૂટી જાય તેવી વિગત સામે આવી છે કે, સૂત્રધાર અશ્વિનીકુમારે પોતાના સાગરીતોને ગુનાને અંજામ આપતાં પહેલાં એવી કડક સૂચના આપી હતી કે લૂંટ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ આડો આવે કે પ્રતિકાર કરે તેને તાત્કાલિક ગોળીએ વીંધી નાખવો. આ યોજના મુજબ, લૂંટ દરમિયાન પ્રતિકાર થતાં અનુરાગ નામના શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી મેનેજર લાલજીભાઈની છાતીમાં ધસી ગઈ હતી અને સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હાલ પોલીસ તંત્ર દ્વારા આ ગુનાહિત ટોળકીના તમામ સાગરીતોને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને સઘન કવાયત હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES