JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

સલાયામાં ગટરનું ગંદુ પાણી દરિયાઈ ખાડીમાં ઠલવાતા ગંભીર સ્થિતિ: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નગરપાલિકાને ફટકારી નોટિસ

Oct 03, 2026 | 23:28 | By JAMNAGAR MIRROR
સલાયામાં ગટરનું ગંદુ પાણી દરિયાઈ ખાડીમાં ઠલવાતા ગંભીર સ્થિતિ: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નગરપાલિકાને ફટકારી નોટિસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરમાંથી નીકળતા ઘરેલું ગંદા પાણીના બેદરકારીભર્યા નિકાલ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારનું દૂષિત પાણી કોઈપણ જાતના શુદ્ધિકરણ વિના સીધું દરિયાઈ ખાડીમાં ઠાલવવામાં આવતું હોવાનું સામે આવતાં ગાંધીનગર સ્થિત વડી કચેરી દ્વારા જળ પ્રદૂષણ નિવારણ અધિનિયમ હેઠળ પાલિકા તંત્રને આકરી નોટિસ પાઠવવામાં આવી છે. તંત્રની આ ઘોર લાપરવાહી સામે પ્રદૂષણ બોર્ડે લાલ આંખ કરીને સમગ્ર મામલે તાત્કાલિક ખુલાસો અને સમયબદ્ધ કાર્યયોજના રજૂ કરવા તાકીદ કરી છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની સ્થળ મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. નગરમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ટ્રીટમેન્ટ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને તે કાર્યરત છે, પરંતુ કલેક્શન સંપથી આ શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી જરૂરી પાઈપલાઈનનું જોડાણ જ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત નગરપાલિકા હસ્તકના બંને મુખ્ય પમ્પિંગ હાઉસ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને યોગ્ય ભૂગર્ભ ગટર વ્યવસ્થાનો પણ સદંતર અભાવ જોવા મળ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે નગરના અનેક વિસ્તારોમાં ઘરેલું ગંદુ પાણી ઉભરાઈને જાહેર માર્ગો પર ફરી વળતું હોવાની ગંભીર સ્થિતિ પણ સામે આવી છે.

તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, નગરનું લાખો લિટર ગંદુ પાણી કોઈપણ જાતની પ્રક્રિયા વિના પમ્પિંગ સ્ટેશન નજીકની દરિયાઈ ખાડીમાં બાયપાસ કરીને છોડાઈ રહ્યું છે. એટલું જ નહીં, ટ્રેક્ટર અને ટેન્કરો મારફતે પણ ગંદકીનો ખુલ્લેઆમ ખાડીમાં નિકાલ કરવામાં આવતો હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે. બોર્ડની ટીમે ખાડીમાં ઠલવાતા આ દૂષિત પાણીના નમૂના લઈ નિયમ મુજબ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. બોર્ડે પાલિકાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તમામ પમ્પિંગ હાઉસ અને ડ્રેનેજ નેટવર્ક તાત્કાલિક કાર્યરત કરી, તમામ ગંદા પાણીને પ્લાન્ટમાં શુદ્ધ કર્યા બાદ જ શરતો મુજબ તેનો નિકાલ કરવામાં આવે, અન્યથા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

LATEST ARTICLES