રાજધાની દિલ્હીમાં કનોટ પ્લેસ ખાતે યોજાનારી તિરંગા માર્ચ પહેલાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. ઝંડેવાલાન વિસ્તારમાં આવેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાના નિવાસસ્થાને રોકાયેલા અભિજીત દિપકેને પોલીસે અગાઉ માર્ચ ન યોજવા માટે કાયદેસર નોટિસ પાઠવી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ વિરોધ પ્રદર્શન નથી કરી રહ્યા પરંતુ માત્ર રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા છે. પરવાનગી ન હોવા છતાં તેઓ કાર્યક્રમ કરવા માટે મક્કમ રહેતા પોલીસે સાવચેતીના પગલારૂપે તેમને કસ્ટડીમાં લીધા હતા.
આ સંભવિત આંદોલનને પગલે કનોટ પ્લેસ અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ રીતે સઘન બનાવી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આશરે ૬ હજાર જેટલા પોલીસકર્મીઓ અને ૨૨ હજાર જેટલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, નવી દિલ્હી નગરપાલિકા પરિષદ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોતા કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કને બે દિવસ માટે સામાન્ય નાગરિકો માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ ભવન સામે નોર્થ એવન્યુ વિસ્તારમાં એક વિશાળ તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજ સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ૨૫૦ ફૂટ લાંબો ભવ્ય ત્રિરંગો લઈને જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા નેતાઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં દમનકારી નીતિઓથી જનતાનો અવાજ દબાવી શકાતો નથી. તેમણે ઐતિહાસિક અન્ના આંદોલનનો સંદર્ભ આપતા ભારપૂર્વક કહ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં પરિવર્તન અનિવાર્ય પ્રક્રિયા છે અને શાસકો ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ લોકઆક્રોશને રોકી શકાતો નથી.
