અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાથે સંકળાયેલી એક વિવાદાસ્પદ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વહેતી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક સ્તરે કોંગ્રેસના કોર્પોરેટર ઇલિયાસ ખાન પઠાણના બજેટ મુદ્દે પાર્ટીમાં આંતરિક મતભેદો પહેલેથી જ ચાલી રહ્યા હતા. આ દરમિયાન શહેરના ઐતિહાસિક સોદાગરની પોળ વિસ્તારની એક કામગીરી બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ મુકાયા બાદ થયેલી વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થતાં સમગ્ર સંગઠનમાં ગણગણાટ શરૂ થયો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી રહી છે.
વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં ગ્યાસુદ્દીન શેખ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કથિત રીતે અત્યંત વાંધાજનક અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનો સીધો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. આ કથિત ટિપ્પણી સામે આવતાં જ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ અને નારાજગીનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત વાતચીત દરમિયાન સ્થાનિક સ્તરે સક્રિય રહેતા કાર્યકર્તા સામે પણ આકરા તેવર બતાવીને તેને વિરોધી પક્ષના દલાલ તરીકે સંબોધવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પક્ષના જ કાર્યકર્તા સામે આવી ગંભીર ટિપ્પણી કરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
સોદાગરની પોળના વિવાદ સાથે આંતરિક રાજકારણ ભળતાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. પૂર્વ ધારાસભ્યના નામે વાયરલ થયેલી વાતચીતે સંગઠનના આંતરિક સમીકરણો અને નેતાગીરી વચ્ચેના તાલમેલ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ સમાજ વિશે કરાયેલા કથિત અપશબ્દો અને બીજી તરફ સ્થાનિક કાર્યકર્તા સાથે થયેલી ગેરવર્તણૂકનો આ મુદ્દો હવે માત્ર પક્ષ પૂરતો મર્યાદિત ન રહેતાં જાહેર વિવાદનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આ ગંભીર પ્રકરણને લઈને આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવવાની અને વિવાદ વધુ વકરવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
